Saturday 6 May 2017

વાર્તા કે અનુભવ!

દિવસે તો નહિં હવે તો રાત્રે પણ ગરમી વર્તાતી હતી. ઉનાળો પોતાનો પરચો દેખાડી રહ્યો હતો. ઓરડાનું તાપમાન લગભગ ૨૫ ડિગ્રી કરીને બેઠેલો ધ્યેય પોતાનું કામ કરી રહ્યો હતો. લગભગ, બે વર્ષથી તે શારીરીક સંબંધથી છૂટી ગયો હતો. ધર્મિષ્ઠા સાથે છૂટા પડ્યા પછી તે પોતાના કામ પર વધુ ધ્યાન આપતો હતો. તેને પોતાનો ધ્યેય બદલાવી નાખ્યો હતો. આ બધાની વચ્ચે તે આજનો દિવસ ભૂલી શકે એમ નહોતો. કેમકે, આજનો દિવસ તે બંનેએ સાથે પસાર કર્યો હતો. બે વર્ષના સંબંધનો સાથે ગાળેલો આ અંતિમ દિવસ! પોતાના માથામાં હાથ પછાડી રહેલો ધ્યેય કામ પડતુ મૂકી માથુ છત તરફ રાખી આંખ બંધ કરી વિચારવા લાગ્યો.
(બે વર્ષ પહેલા -- હૉટેલ)
"મારી સામે ના જો ધ્યેય..તને ખાઈ જઈશ." ધ્યેયથી પીઠ ફેરવી ધર્મિષ્ઠા બોલી. પાછળથી પોતાના બંને હાથ તેની કમર પર રાખીને ધ્યેય તેના કાનમાં રણક્યો. "આજે તો અંતિમ વખત તને ચાખવાનો મોકો છે! છોડીશ નહિં!" કાન પર નાનકડું બટકુ ભરીને તે ધર્મિષ્ઠાના ગાલને પોતાના ગાલ વડે સ્પર્શે છે. બંને આંખો બંધ કરીને પોતે ગાળેલા સમયમાં ખોવાય જાય છે. 'સમજદારીથી બાંધેલો આ સંબંધ સમજદારીથી પૂરો થશે!' આવુ ભાગ્યે જ બને છે. પણ, આના સાક્ષી ધ્યેય અને ધર્મિષ્ઠા છે. ધર્મિષ્ઠા પોતાના હાથ ધ્યેયના માથા પર ફેરવી પોતાના હોઠોને ધ્યેય સમક્ષ ધરે છે. અચાનક એક આંસુ તેના હાથને સ્પર્શ થાય છે ને તે છૂટી પડી જાય છે. "ધ્યેય તુ રડે છે?" "ના, આ તારા અંતિમ અહેસાસની વહી આવતી લાગણી છે." ધ્યેય ધર્મિષ્ઠાને જોરથી પોતાની તરફ ખેંચી એને પ્રગાઢ ચુંબન કરે છે. અરીસાની સામે ધર્મિષ્ઠાને રાખીને તેની પાછળ પોતાના બંને હાથ ધર્મિષ્ઠાના ગળા પર વિંટાળી બંને ઊભા છે. "ધ્યેય, આપણે તો વાતો કરી હતી ક્યારેય નહિં છૂટા પડવાની! શું થયુ અચાનક?" "ક્યાં હજુ તને મૂકી છે? પરિસ્થિતિ આગળ બધા લાચાર છે! આપણું ભેગા થવુ એ નિર્ણય પણ કોઈ એકનો ના હતો ને છૂટા પડવાનો પણ નથી." "ધ્યેય, હું શું કરીશ તારા વગર!" આંખમાંથી શરૂ થતુ પાણી તેમની એકબીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરતુ હતુ. ધ્યેય ધર્મિષ્ઠાને અરીસાની નજીક લઈ જાય છે. "તે મારી આંખને પ્રેમ કર્યો હતો ને મૈં તારા દેખાવને! તને મારો સ્વભાવ ના જામ્યો ને મને તારી માનસિકતા! હવે અહિં મારો કે તારો વાંક નથી. આપણે શરીરથી એક થઈ શકીએ પણ મનથી નહિં! હું જાણું છું અઘરું પડશે પણ અત્યારનો સમય હજી આ સ્વીકારી લેશે પણ આવનારા બે-ત્રણ વર્ષો પછી આ જ છૂટકારો મન પર અસર કરી જશે." તે આખી રાત તે ધ્યેય અને ધર્મિષ્ઠાએ ભરપૂર એકબીજાને માણ્યા. એકબીજાની આંખથી લઈને શરીર પરોવાયા. કૃત્રિમ એ ઠંડીમાં શરીરની હૂંફને સંતોષી બંને એકબીજાને આલિંગન કરતા ઊંઘી ગયા.
એ બંધ થયેલી આંખો ખૂલી ગઈ. સામે રહેલા લેપટોપમાં નજર પડતા ધર્મિષ્ઠા સાથેની વાતો, તેની સાથે પાડેલા ફોટાઓ, ગાળેલો એ પ્રેમભર્યો સમય, એકબીજાની ટેવો, કુટેવો બધુ નજર સામેથી પસાર થઈ ગયુ. તે ઊભો થયો, સિગારેટની એક કસ ખેંચીને ફરી બેસી ગયો. તે યાદ આવેલી ક્ષણો શરીરને તપાવી ગઈ! ને ઊપરથી સિગારેટનું વ્યસન એટલે ઓરડાનું તાપમાન ઘટાડવા મજબૂર બન્યો. આ રીતે એકાદ વર્ષથી દેશમાં ફિક્શન નૉવેલનો નામચિહ્ન લેખક ધ્યેય પોતાના અનુભવો(લોકો માટે વાર્તા) લખવા બેઠો.

No comments:

Post a Comment