અમને અહિં શીફ્ટ
થયા એને એક મહિનો થયો. દીદી હજુ એ ઘટનામાં તરબોળ છે ને હું બહાર આવવાનો પ્રયત્ન
કરું છું. અહિં બધા એકબીજા સાથે ભાવનાથી જોડાયેલા છે. એકબીજાને જાણતા નથી પણ
એકબીજા માટે મરી પડે છે. હજુ સુધી અમારી જેવી સ્થિતિ અહિં કોઈની આવી નથી એ અલગ વાત
છે. હું તો એ ખુદાને પ્રાર્થના કરું કે કોઈને આપે પણ નહિં! દીદી રોજ ભગવાનને કહે
છે કે મને પાછી સાસરે વળાવી દે. હું મારા ખુદાને કહું છું કે અમને બંનેને ક્યારેય
એ ઘર પાછા ના મોકલે. જોઈએ હવે કોનું સંભળાય છે! જ્યાં સુધી અમારી અરજ એ પ્રભુ ના
સ્વીકારે ત્યાં સુધી અમે અહિં સુખી છીએ. મહિલાશ્રામ, એક એવી જગ્યા કે જ્યાં રહેતી મહિલાનું કોઈ નથી. અહિં કોઈને
કોઈ પૂછવા આવતું નથી. મારી ભેગી મારી ત્રીસથી વધુ સખીઓ છે. અડધી દુનિયા અમને પાગલ
સમજે છે. પરંતુ લોકોથી તરછોડાયેલા અમે પાગલ નથી.
કોઈનાથી તરછોડાઈ
ગયેલા અમને શું કોઈ સ્વીકારી નહિં શકે?
આ પ્રશ્ન મને રોજ ખૂંચી જાય છે. આજથી ૩૦ વર્ષ પહેલાં મહોમ્મદ અને મમતાના લગ્ન
થયા. આ બંનેના પ્રેમ તેમજ અભિલાષાનું પરિણામ એટલે અમે બંને! લગભગ દસેક વર્ષના અંતે
બે દિકરીઓ થઈ. સમાજથી વિખૂટા પડેલા મારા માતા-પિતા અમને સહન ના કરી શક્યા. કોનો
વાંક હતો એ મને ખબર નથી પણ તેઓ બંને લગ્નના ૧0 વર્ષે છૂટાં થયા. બિરાદરીમાં તો માન જળવાયુ પણ ઘરમાં જગ્યા
ના મળી. કમને પણ બાળકોને તો વળી સાચવવા જ રહ્યા! મને પપ્પા સાથે તો દીદીને મમ્મી સાથે
સાથ મળ્યો. જાત પ્રમાણે અમારા બંનેનો ઉછેર હિંદુ-મુસ્લિમ પ્રમાણે થયો. એને પૂજા
કરતાં તો મને નમાજ પઢતાં શીખવાડવામાં આવ્યુ. એ મંદિરે જતી થઈ ને હું મસ્જિદે! મને
ખુદા પ્યારા હતા તો એને ભગવાન! ટૂંકમાં,
જેટલી સમાનતાઓ અમારા મમ્મી-પપ્પામાં હતી એટલી જ અસમાનતાઓ અમારા બંનેમાં પેદા
કરવામાં આવી. કદાચ, એમને ખબર
હશે કે અમે અહિં મળીશું. ખોરાકથી લઈને કપડાંમાં બધામાં અમે અલગ હતા.
"મમ્મી, પપ્પા ક્યાં છે?"
"એ નથી.
તારે શું કામ છે? તુ
કાકાને કહી દેજે!"
અમારી પપ્પાની
ખોટ પૂરી કરવાના સવાલો સામે અમને બંનેને આવા જ જવાબ મળતાં. સંવાદો ને પરિબળો અલગ
હશે પણ મતલબ તો એક જ! દાદાની બીક,
મમ્મીનો માર ને કાકાની તેમજ ભાઈઓના ડરએ અમને એ હજમ કરવા મજબૂર કર્યા કે અમારે
મમ્મી-પપ્પામાંથી કોઈ એક નથી. તેમના પ્રેમ પ્રત્યે માન અમને સદાય હતુ. કેમકે, બેમાંથી કોઈએ
બીજી વખત પરણવાનું નહોતું વિચાર્યુ. સમય જતાં સમજણો વધી ને પ્રશ્નો પૂછવાની
સંભાવના વધતા મારો દાખીલો બોર્ડિંગ સ્કૂલમાં કર્યો. હજારોની સંખ્યામાં મારી સાથે
છોકરીઓ ભણતી હતી. તેમાંથી ઘણીને એમ હતું કે એમનાં મા-બાપ એને પ્રેમ કરતાં નથી.
મારી સાથે મારી બહેનપણીઓ પણ ક્યારેક રડી પડતી. તો કયારેક થઈ આવતું શા માટે આ
સ્કૂલો થઈ હશે? મા-બાપથી
છોકરાઓને વિખૂટા પાડવા? જો મારી
સાથે પપ્પાને રહેવું જ ન્હોતું તો કેમ મને જન્મ આપ્યો. તો કોઈક મને સંભળાવી જતું
કે જો તારે મમ્મી હોત તો આવું ના થયુ હોત! એ સમયે હું માત્ર અરીસાની સમક્ષ બેસીને
માત્ર મારી જાતને કોષતી.
જેમ જેમ મોટા થયા
તેમ તેમ અમે સેટ થતાં ગયા. મારી સાથે ઘણી છોકરીઓ પાછી પણ ચાલી ગઈ. હું માત્ર
વર્ષમાં એક જ વખત ઘરે જતી. મિત્રોની સંખ્યામાં વધારો થતો જતો હતો. મારા મત મુજબ
મને દસમાં પછી લઈ લેશે એવું હતુ પણ ‘૧૨ સુધી અહિં જ રહેવું પડશે!’ એવું કહેવામાં આવ્યુ. આમ ભી મને અહિં વધારે અનૂકુળ પડતું હતુ. રોજરોજની એ
રોકટોક કરતા આ જીવન વધુ પ્રિય લાગ્યુ. મારી પ્રિય મિત્ર એટલે મુમતાઝ! અમને બંનેને
ખૂબ જ ફાવતું! મુસ્લિમ હશું એટલે કે પછી ખબર નહિં પણ અમને ભળતું બહુ! એકલતાને દૂર
તેમજ ભણતરનો ભાર દૂર કરવા અમને સિગારેટની લત લાગી. શરૂઆત હંમેશા કોઈકની પીવાથી થાય
છે એ વાત અહિં સાચી પડી. અમારા જ ગૃપની એક મિત્ર કિંજલે અમને આ તરફ પ્રેર્યા.
જુવાનીનો જોશ ને માનસિક થાકે અમે આ તરફ દોરાયાં. હું ને મારી સખીઓ દરરોજની વીસેક
જેટલી સિગારેટો પી જતા. ભણવાની આળસે અમને આદત ને પછી આ જ આદત વધુ આકરી બની! હજુ પણ
ક્યારેક અમે પી લઈએ છીએ. શાળાના અભ્યાસ પછી હું ને મુમતાઝ છૂટા પડ્યા. સદ્ભાગ્યે અમે એક જ કૉલેજમાં આવ્યા. ભરોસાના પાયા સાથે અમારી વચ્ચેનો
સંબંધ વધુ મજબૂત બન્યો.
"મુમતાઝ, તને એમ નથી
લાગતું કે આપણે ખોટું કરી રહ્યા છીએ?"
"મમતા, મને ખબર છે ત્યાં
સુધી તારું ને મારું કોઈ છે નહિ!"
આવા કંઈક અનોખા
સંવાદ સાથે અમે નીકળી તો પડ્યા ઘર છોડીને પણ અમને નહોતી ખબર કે હવે પછી અમારી
જીંદગીમાં કંઈક એવું થવાનું છે કે જે અમને પલટાવી નાખશે. અમારી દુનિયા વેરાન રણ
જેવી ઉજ્જડ કરી નાખશે. સમય વિતતો ગયો. યુવાનીની આ પ્રેમની ઉંમરે અમે પણ એ સમુંદરમાં
ડૂબ્યા. હા, ડૂબ્યા!
કુદરતે અમને ડૂબાડ્યા જ! પહેલાં તો નાવ આપીને લાલચ આપી. પછી, હલેસા હલાવનારને
જ ઝૂંટવી લીધા! જીવનના આ મધદરિયે અમે અત્યારે કોઈપણની મદદ વગર તરીયે છીએ!
"નાવેદ, હું મુસલમાન
છું."
"પણ..તારું
નામ મમતા છે!"
મારા ભાઈએ એક વખત
મને કહ્યું હતુ કે મારા પિતાની પ્રેમિકાનું નામ મમતા હતુ. માટે, મુસલમાન હોવા છતા
મારું નામ મમતા છે. અહિં સુધી બધુ સામાન્ય હતુ. અચરજ મને ત્યારે થયો કે જ્યારે હું
નાવેદના મમ્મીને મળવા ગઈ. મારી સામે ઊભી રહેલી એ મુમતાઝ ને નઝરુદ્દીનની જોડી!
તમારી જીંદગી એક એવા સ્ટેજ પર હોય જ્યાં ઘરનું કોઈ વ્યક્તિ તમારી સાથે ના હોય ને
હોય તો માત્ર તમારી મિત્ર! એ એકને જ તમે તમારા સાચા સાથી માનતા હો! એનું પણ જો
રહસ્ય નીકળે તો શંકા આવે એ સહજ છે.
"મમતા, આ મારા ભાઈની
મંગેતર મુમતાઝ છે."
મારો મિત્રતા
પરનો વિશ્વાસ ડગી ગયો. જન્મથી જ અવિશ્વાસ મળ્યો હતો મને! હજુ તો જરાક સારાને
નિઃસ્વાર્થ સંબંધોની કૂંપણો ફૂટી હતી ત્યાં એ પણ ઊઠી ગયો. મુમતાઝે મને “ઘરે
જઈને સમજાવીશ” એટલું જ કહ્યુ. તે મુઝફરના ઘરે મારી સાથે
આંખથી આંખ ના મિલાવી શકી.
"મમતા..તુ હિંદુ
છે તો મને થયુ કે તને મારા આ સંબંધનું કહીશ તો નહિં ગમે! માટે મૈં નહિં કહ્યુ.
મારા મમ્મીના સોગંદ!"
"મારા પિતાનું નામ
મોહમ્મદ છે. તારું નામ તો મુમતાઝ છે તો કેમ તુ મુસલમાનથી પ્રેમ કરતાં ડરે છે?"
"મારી માતાનું નામ
મમતા છે!"
અચરજ સાથે બંને
એકબીજાની સામું જ જોતા રહ્યા. આશરે ૨૦ મિનિટ પછી ખબર પડી કે એમની માતાને એમનો
પ્રેમી પ્રેમથી મુમતાઝ કહીને બોલાવતો હતો ને મારા પિતાએ એની પ્રેમિકાની યાદમાં
મારું નામ મમતા રાખ્યું હતુ! કેવો અદ્ભૂત હશે એ પ્રેમ! સંબંધમાં અમે બંને બહેનો
હતી એ ભી લોહી હતું મારું! ૬ વર્ષ પછી અમને ખબર પડી કે અમે બહેનો હતી. અત્યારે
મનમાં પ્રશ્ન થઈ ઊઠે કે આ તે કેવું નાત-જાતનું વર્ચસ્વ! ૭માં ધોરણમાં મળેલા અમે
નામ માત્રથી મિત્રતા કરી હતી. જે પ્રેમીઓએ અમને બનાવ્યા હતા એટલી જ તીવ્ર પ્રેમની
ઝંખના સાથે અમે બંને એકબીજાના પ્રેમીને ઘેર એક નવા સંબંધની પરિભાષા આપી. ઈશ્વરનો
કમાલ હતો કે ખુદાનો કરીશ્મા! કંઈ જ ખબર ના હતી. હા, પણ એટલું ચોક્ક્સ કહીશ કે હવે અમને માણસના મન પ્રત્યે
વિશ્વાસ આવી ગયો હતો તેની નાત કે નામ પ્રત્યે નહિ!
નાની ઉંમરમાં હું
ને મારી બહેન ઘર મૂકીને નીકળી ગયા હતા. મુક્ત ગગન મળતાં અમે ભણવાનું પૂરું કર્યું.
નાવેદ ને નઝરુદ્દીન પ્રત્યે અમારો લગાવ દિવસેને દિવસે વધતો જ જતો હતો. આ એક એવો
અહેસાસ હતો કે જેને અમને બંનેને પૂરા કર્યા હતા. શારીરીક સંતોષ વિના અમને હૂંફ ને
સ્નેહ કોઈએ આપ્યો નહોતો. એ બંને ભાઈઓએ આ કરી બતાવ્યુ. અમને પણ હવે લાગવા લાગ્યુ
હતુ કે આપણાં શરીરની આસક્તિ વગર આપણી આંગળીને પકડવાવાળું કો’ક
છે. આખરે તો વિશ્વાસ પણ આવી ગયો હતો કે એ ઊપરવાળાની હાજરી તો છે જ! જરૂર છે તો
તેને સમય આપવાની! તે બધુ કરી આપે એમ છે. દીદીને તે બંનેના ઘરબારની ખબર હોવાં છતાં
તેમનાં પર સંપૂર્ણ ભરોસો મૂકતા ડર લાગતો હતો. કદાચ, અનુભવનો અંદાજ
હશે! તેમણે ઘણી પરિક્ષાઓ પણ કરી. સમયને અનુલક્ષીને બધી જ રીતે નવાદ ને નઝરુદ્દીને
અમને સાથ આપ્યો.
અંતે બે વર્ષને
અંતે અમારા નિકાહ થયા. તે મુસલમાન પરિવારમાં બે ભાઈઓ સિવાય કોઈને ખબર ન હતી કે
અમારા માતા-પિતામાંથી એક હિન્દુ છે. કોઈને ખબર પડશે પણ નહિં એ વચન આપ્યુ હતુ.
અમારો સુખી સંસાર અમને જ શરૂઆતમાં નહોતો પચતો. કોઈ ભિખારીને દરરોજ રાજકુંવર સાથે
જમવા મળે ને તે ક્યારેય ના જોયું હોય તેમ જમવા લાગે એવી સ્થિતિ હતી. તહેવારો અને
દિવસો અમે આટલી ખુશીથી કે ઉત્સાહથી કદાચ પહેલી વાર મનાવતા હતા. નઝરુદ્દીન પણ
દીદીને મંદિરે લઈ જતો. અમે સૌ સાથે જઈ દર્શન કરતાં. હિંદુ-મુસ્લિમ એક થવું એ
ભાગ્યે જ હતુ. આ ખબર ત્યારે પડે જ્યારે તમે મંદિરમાં જાવ ને બધા તમારી સામે જ
જોવે!
જેમ દરેક
સિક્કાની એક બાજુ હોય છે તેમ સુખ પછી દુઃખ પણ હોય છે. ઉંમરની સાથે શારીરીક અવયવો
વચ્ચેનો અનુરાગ સ્વાભાવિક હતો. અમે બંને બહેનોએ પોતાના પતિ સાથે શારીરીક આહથી
માંડી ચરમસીમાના સુખની મજા માણી. લગ્નના લગભગ બે વર્ષ બાદ ખબર પડી કે વધુ પડતા નશા
ને કેફીનના પ્રમાણને કારણે અમે માતા બનવાને લાયક નથી. જો માતા બનશું તો બાળકની
તંદુરસ્તીનું જોખમ રહેશે. એકલતામાં પીવાયેલી એ દિવસની ૨૦ સિગારેટો યાદ આવી. નશામાં
ધૂતએ માણેલું થોડા સમય માટેનું સુખ આજે સમસ્યાનું સર્જન કરી ગયુ.
પરિવારમાં આ ખબર
પડતા જ અમે તરછોડાયા. શરુઆતમાં તો માર પણ ખાધો. બહુ જ વિનંતી બાદ અમને એ શરતે
રહેવાની પરવાનગી મળી કે અમારા પતિઓ બીજા લગ્ન કરશે ને અમે એમની રખેલ બનીશું. માત્ર
શારિરીક જરૂરિયાતનું સાધન! કોઈ ના હોવાથી અમે એ પણ સહન કરી ગયા. અમારી નજર સામે
બીજા લગ્નો થયા. ૬ મહિના બાદ નબળાઈને હિસાબે એક કામ ઠીકથી ન થતા અમને લાઠીથી
પીટવામાં આવ્યા. ગયા મહિને અમે માંડ માંડ ભાગી નીકળ્યા.
અહિં રહેવા આવ્યા
એ પહેલાં મહિનાનો એ એક મહિનો જીવનના સૌથી નઠારાં દિવસોમાંના હતા. અમારી આંખ અને
માથાનાં વાળ પરથી જ લોકો અમને પાગલ કહેતા. અમારાં ઘરેણાં વેંચીને દીદીના
ડિપ્રેશનની દવા કરાવી.
અમે રેલ્વે
સ્ટેશન પર જમી લેતા ને ત્યાં જ સૂઈ જતા. કોઈ ભલા માણસે સૂચવેલું કે મહિલાશ્રમમાં
જાવ. કામ પણ મળશે ને આશરો પણ! વર્ષો પહેલાં મારી માતા બાળકમાં દિકરાને જન્મ નહોતી
આપી શકી એટલે એને હિંદુ પરિવારે પાછી બોલાવી. આજે અમે બાળક નથી આપી શકતા એટલે
તરછોડાયા. એ નશાનું પણ અમારે મન એ દિવસોમાં અસ્તિત્વ હતું. ભૂલ મારી જ હતી પણ શું
બાળક અમારૂં ભવિષ્ય નક્કી કરી શકે?
શા માટે અમારામાં જ ભૂલ કાઢવામાં આવે?
બાળકને જન્મ આપવામાં જેટલો હાથ સ્ત્રીનો છે એટલો જ પુરૂષનો છે. છતાં દોષી તો
અમને જ ઠેરાવવામાં આવે છે.
"મૅડમ, મહિલાશ્રમમાંથી
કોઈ બહેન આપને મળવા આવ્યા છે."
"જી
બોલાવો.."
"નમસ્કાર..મૅડમ, હું જ અત્યારે
મુમતાઝ ને મમતા સાથે છું. તમે મુમતાઝની દવા કરી રહ્યા છો. હવે અમે જ એમને
સંભાળીશું. તમને આ ડિપ્રેશનનું કારણ ખબર પડી?"
"હા, મૈં હમણાં જ મમતા
લિખિત કાગળો વાંચ્યા. નાના આ પન્નાઓ ઘણું કહી ગયા. એમને સારાં કરીને પગભર કરવાની
જવાબદારી હવે આપણી છે." ડૉક્ટર અને મહિલાશ્રમના એ બહેનએ ઘણી વાતો કરીને તે
બંને બહેનોને આમાંથી કેમ બહાર કાઢવી એ નક્કી કર્યુ.
--Poojan Khakhar
--Shivangi Mandaviya