Tuesday, 14 November 2017

લગ્નોત્સવ!

#weddingseason
બસ--એમાં ખીલખીલાટ ચહેરાઓ, માથે સાફા, કપાળે કંકુ, ઢોલીની સેના ને મામા ફોઈના પોરિયા! સેલ્ફીની સીઝન ને એમાં બેબી કો બેઝ પસન્દ હૈં જેવા ગીતોની રમઝટ!
નારિયેળીના વૃક્ષોની રોશની, ચોક્કસ અંતરે રાખેલી ફુવારીઓ તો અંદર આવતાની વખતે જ રાખેલા નવયુગલના ફોટાઓ વાતાવરણને વિશિષ્ટ બનાવે છે. વેવાઈનો વ્યવહાર અને વેવાણનો વૈભવ, મામાનો મોરચો તો વળી ફોઈબાની હાજરીથી સુશોભિત ફુલેકુ...આ બધાની વચ્ચે ભાઈ ભાંડુઓની મસ્તીતો ખરી જ!
વેકેશનમાં જેમ રમી આવી પછી ઠંડુ શરબત મળે તેમ જાનમાં નાચ્યાં પછી વિરુદ્ધ પક્ષ તરફથી શરબત તૈયાર જ હોય! ચારેય ખૂણે સાત-સાત માટલીઓની ઢગલી ને ફરતે ગોળાકાર મંડપ. એમાં પણ ઉપર ફરતું ગુંબજ એની સાથે કૃત્રિમ ફૂલોની વેલ! ઉજાગરાથી થતી લાલ તેમજ ભીનાશભરી આંખોની સાથે કન્યાદાન કરવા બેઠેલો પિતા ને સમયસર પ્રસંગ પૂરો કરવા થતી મથામણો! આ બધાની વચ્ચે એકબીજા સાથે આંખોથી વાતો કરી રહેલા એ નવોદિત યુગલનું એકબીજામાં ખોવાવું તેમને દિવસભરનો થાક ઉતારી દે છે.
તો વળી, અવનવી વાનગીઓની સાથે શિયાળાના લચકાની તો વાત જ અલગ છે. પોતાના લગ્ન જલ્દીથી થશે એ લાલચ સાથે બેઠેલા અણવર ને પોતાના સૌભાગ્ય સાથે બેઠેલી લૂણગૌરી પ્રસંગને પારંપરિક સ્વરૂપમાં ઢાળે છે.
પ્રસંગની અંતિમ ઘડીઓમાં થનારી વિદાય એક પિતાની જવાબદારી પત્યાનું તો બીજાની શરૂ થયાનું સમજાવી જાય છે. ટોમ એન્ડ જેરીની જેમ શાળા બનેવી ને નણંદ ભોજાઈના રમુજી સમ્બન્ધ બન્ધાઈ છે.
આ બધાની સાથે સામસામે મોજડીની ચોરી, ફોટાઓની વણઝાર, જાનિયાઓને સાચવવા, મહારાજના ધતિંગ, સામાનની હેરફેર, ઘટતો સમય, માણસોની માંગો પોતપોતાની રીતે પ્રસંગને બગાડે કે સુધારે છે.
પૈસાની સાથે જો લોકોના અભિગમોની આગળ પરિવારજનોનો ઉત્સાહ હોય તો અસરકારક ઉલ્લાસનો ઉમેરો રેવાનો જ!
#sabdnisafar

No comments:

Post a Comment