Tuesday 14 November 2017

મિત્રતાની સફર : ફોનથી ફોટા સુધી!

મિત્રતાની સફર : ફોનથી ફોટા સુધી!

આંખ બંધ કરે કે તેને આર્ટ ઑફ લિવિંગના પેલા સાહેબનો અવાજ સંભળાય. "તમારી લાગણીને વહેવા દો!" બહારનો અવાજ તેના અંદરના ખાલીપાને અડચણરૂપ નહોતો. કેવી રોમાંચક સફર હતી તે બંનેની! પાંચ વર્ષો થયા એ વાતોને, હજુ ય તેમની યાદો અકબંધ હતી. તેને મિહિરનો ચહેરો તરવરી ઊઠે. સવારની ભેગી ચા થી લઈને રાત્રિના નાસ્તા સુધીની એ બે વર્ષની સફર તેની આંખોમાં અકબંધ હતી. શાળાના એ છેલ્લા બે વર્ષો કે જેનાથી તમારું ભવિષ્ય નક્કી થાય, મિત્રો એકબીજાથી અળગા થાય, છેલ્લી શાળાની યાદો..કૉલેજમાં જવાનો ઉત્સાહ અને પરિક્ષાની તૈયારીમાં હૉસ્ટેલમાં સહભાગી મિત્રો! બહુ ઓછા આ ભૂલી શકે! મિહિર -- એક હોંશિયાર, ચપળ અને આંતરમુખી હતો.

દિવ્યેશ સાથેની તેની મિત્રતા કંઈક વિશેષ હતી. તેના પપ્પાના ક્રૂર સ્વભાવથી લઈને પોતાની પસંદ-નાપસંદ બધુ તેને જણાવતો. બીજા કોઈને પણ કહેતા પહેલા એ હજાર વખત વિચારતો પણ દિવ્યેશ સાથેનો મિત્રતાનો સેતુ એ પરીક્ષા કે માર્કસની લાલચથી નહિં પણ લાગણીથી બંધાયો હતો. લાગણીની મજબૂતાઈ સામે કોઈ ટક્યુ છે ખરા! મુશ્કેલીઓ આવી તેમને સમય સાથે પરંતુ બંને સાથે હતા ને પાર કરી ગયા. ઉચ્ચતર અભ્યાસના પ્રથમ વર્ષમાં દિવ્યેશના પરિવારમાં આવેલી નાણાકીય અડચણોમાં મિહિર અડીખમ ઊભો રહેલો! સંબંધના આ સમંદરમાં સમયની સાથે ઓટ આવી. ઓટ? ના, ખરેખર બંને ઉચ્ચતર અભ્યાસમાં એટલા ખોવાય ગયા કે વખતે વાત થતી. લાંબા સમયથી સાથે ના રહેલા આજના યુવાનો પાસે જૂજ વાતો જ હોય છે. આજે ઘરેઘરે મિહિરની જેમ આંતરમુખી છે! અમુક યુવાવર્ગ એકબીજાને સમસ્યા કહે છે તો સ્ટેટસ વચ્ચે તેમને આવીને મૂર્ખમાં ખપાવી દે છે. માટે, અમુક સ્વભાવે મિહિર છે તો અમુક સમાજે કરેલા છે. અભ્યાસના છેલ્લા વર્ષે બંને મળ્યા. સમય ફર્યો હતો સ્વભાવ નહિં! મિહિરે બધી જ વાતો કરી..ઓળખાણ નહોતી તેની કરાવી, પ્રોજેક્ટથી લઈને છોકરીઓના પ્રપોઝલ સુધીની બધી જ વાત! હંમેશની જેમ દિવ્યેશે સાંભળી. બે વર્ષે થયેલી આ બેઠક અલગ હતી. સમસ્યાઓથી લઈને પરિસ્થિતિ બધુ જ જૂદું હતુ. ના, મિહિર અને દિવ્યેશ એમ જ હતા! બંનેના શારિરિક બાંધામાં ફેર આવ્યો હતો. ફેસબુકની એ બે વર્ષ પછીની પોસ્ટ તેમની મિત્રતાની મિસાલ બની. મિત્રો જ્યારે છૂટા પડે ત્યારે બીજી વખત ક્યારે મળીશું એ નક્કી કરીને જ પડે છે! આ બંનેને પણ એ જ હતુ. મિત્રતાના સમંદરમાં ભરતીની આંશિક અસર આવી. અહિં, એ વાત ચોક્કસ કે બે વર્ષ પછીના એ મિલને નક્કી એ થયુ કે અઠવાડિયે એક વખત ફોન કરવો. હા, સમયાંતરે સમંદરના મોજાની જેમ સંબંધ સ્થિરમાંથી વહેતો થયો.

"દિવલા, મારી નોકરી પાકી થઈ ગઈ..આપણા તરફથી પાર્ટી પાક્કી..ભાઈ આવે છે હવે ફ્લાઈટમાં તને મળવા. વિચારું છું તને મળીને જ ઘરે જતો રહીશ..ઘરે ફોન ના કરતો મારે પપ્પા-મમ્મીને સરપ્રાઈઝ આપવી છે." મિત્રને મળેલી નોકરીની ખુશી અને એ મિલનનો બંનેને ઉત્સાહ હતો.

રૂમમાં કોઈકનો ફોન વાગ્યો. માઈકમાં બોલ્યા..હવે ઊંડો શ્વાસ લો અને છોડી દો..મિહિરભાઈની આત્માને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના..શાંતિઃ..શાંતિઃ..શાંતિઃ.. આંખ ખોલી કે તેને મિહિરનો ફોટો દેખાણો..ફ્લાઈટ ક્રેશની એ ઘટનાએ કુટુંબમાં અરેરાટી બોલાવી દિધી હતી. સરકારના એ પૈસા એ લાલચ હતી બાકી અહિં લાગણીથી જોડાયેલો એ સંબંધનું મૂલ્ય થોડી આંકી શકાય!

"અંકલ..તમે મારા મિહિર ચાચૂને જોયા?" મિહિરના મોટાભાઈના છ વર્ષના દિકરાના પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો! દિવ્યેશએ મોબાઈલમાં નજર નાખીને ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. મોબાઈલનું એ વૉલપેપર પણ બંને મિત્રોનું જ હતુ! છલકાઈ ગયેલી આંખો એ બે વર્ષ પહેલા મળેલા મિત્રને શોધી રહી હતી.
#sabdnisafar 

No comments:

Post a Comment