Sunday, 3 December 2017

આજનો યુવાન : શરમાળ અને સોફેસ્ટિકેટેડ

આજનો યુવાન : શરમાળ અને સોફેસ્ટિકેટેડ
પૂજન ખખ્ખર 
જીંદગીની એક એવી અવસ્થા કે જેમા માણસ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો હોય.. સ્વપ્ન પૂરા કરવાની તાકત હોય.. અરે! તે સપનાઓ જોવા માટેનો જોશ જેનામાં હોય.. સપનાઓ લાઈનબધ્ધ રીતે આમ ગોઠવાતા જતા હોય અને મનમાં "તેને પૂરા કરીને જ જંપીશ" એવો જુસ્સો હોય. રોજ કંઈક નવુ કરવાની અને તે કરેલામાંથી નવું શીખવાની જેને ધગશ હોય અને તે બીજા લોકોને શીખવાડવાનો ઉત્સાહ હોય તેનું નામ યુવાન!

આ આજના ટેકનિકલ જગતના યુવાન પાસે શું નથી?
વૈભવશાળી જીવનની સાથે વિશિષ્ટ વિચારો છે. અરે.. તમે જોવા જાવને તો પાણીથી લઈને પૈસા, મા-બાપથી લઈને મોબાઈલ, વડીલોથી લઈને વોટ્સએપ, ઘરની સાથે ઘાસલેટ(પેટ્રોલ), ભગવાનથી લઈને ભણતર, રૂમથી લઈને રિલેશનશીપ, કરેજથી લઈને ક્રેડિટ કાર્ડ, ફેશનથી લઈને ફ્રિડમ, સમયથી લઈને સોફેસ્ટિકેટેડનેસ ને હવે તો માર્ગથી લઈને યુવાનોનો માર્ગદર્શક મોદી. આ બધુ જ છે એવો યુવાન આજે ઘણું કરવા માગે છે છતા આ યુવાન જ્યારે પોતાની યુવાનીમાં પ્રવેશે છે ત્યારે શરૂઆત જોશ અને જુસ્સા ભરી એટલે કે સિંહ જેવી હોય છે અને થોડા જ સમયમાં આ સિંહ સસલુ બની જાય છે. બીજી રીતના કહુ તો શિખર પર પહોંચવાના સપનામાં પરોવાયેલો યુવાન તળેટીમાં જ શમી જાય છે. આનું કારણ આપણે તપાસીએ તો એમ ખ્યાલ આવે કે જે અવસ્થામાં ધીરજ અને ધૈર્ય જોઈએ ત્યારે એને ૩જી અને ૪જી ની સ્પીડથી વિકાસ જોઈએ છે.

એક ઉદાહરણ દ્વારા આ મુદ્દો બહુ જ સરસ રીતે સમજાશે. હું જન્મ્યો ત્યારે ખીચડી જે સ્પીડથી બનતી હતી તે જ સ્પીડથી આજે પણ બને છે. જો આપણે તેમાં ૩જી કે ૪જી ની સ્પીડ લાદીએ તો કાં ખીચડી કાચી રહી જાય કાં તેમાં આવેલું પાણી એમ જ રહે. સાચા અને મીઠા સ્વાદ માટે તેમાં રાહ જોવી જ પડે. એમાં પ્રાયમસમાંથી ભલે ને ચૂલા આવી ગયા આ સાધનો(અત્યારની ટેકનોલોજી) આપણી સરળતા વધારી શકે પરંતુ સમય કદાચ ઘટાડી શકે પણ કંઈ વિચાર્યુને ખીચડી થઈ ગઈ એતો શક્ય ન જ થઈ શકે. હા,જેટલી ખીચડી પેલા જે ૧૦ કે ૧૨ રૂપીયાના દાળ-ચોખામાં થતી હશે તે ૧૦૦ રૂપીયામાં અત્યારે થાય પરંતુ મીઠાશ સમય અને ટેકનોલોજીથી ફરતી નથી.

હવે આ ઉદાહરણને આજની યુવાની સાથે સાંકળીએ તો પેલા ૧૦ યુવાનો એન્જિનીયર થતા હતા આજે૧૦૦૦ થાય છે પણ સફળતા માત્ર તે ૧૦ ને અથવા તો ૧૦૦ ને જ મળે છે. બાકીના ૯૦૦ ને ટેકનોલોજીના રંગમાં રંગાઈને મહેનત વગર શોર્ટકટથી પૈસા જોઈએ છે. તેમને રાતો-રાત રતન તાતા થવુ છે. બસ, આનું પરિણામ આપણી સામે જ છે.
મિત્રો, ૧૨૦ કે ૧૫૦ ની સ્પીડથી ચાલતી કારની આજુબાજુ જોવાનો તમે પ્રયત્ન કરો તો તમને ધૂંધળું જ દેખાય. હવે આ જ કારને ૬૦-૮૦ની સ્પીડથી ચલાવો તો તમે સવારીને માણી શકો. જીવનમાં માત્ર જો પૈસાને જ મહત્વ આપીએ તો જીવન ધૂંધળું જ દેખાય પરંતુ જો આમાં ધૈર્ય અને ધીરજની સાથે શ્રધ્ધા, વિશ્વાસ અને સંબંધ બાંધીએ તો જીંદગી અને સમય આપણને આપોઆપ શિખર પર લઈ જાય.
મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, ફેબલેટ, પામટોપ, હેન્ડ સ્પ્રી, સ્પાઈક્સ વાળ, લિવાઈસનું જીન્સ, લુઈસ ફિલિપીનું બુસકોટ, રાડોની વોચ અને નાઈકના શુઝ. આ બધાથી આજનો યુવાન સોફેસ્ટિકેટેડ તો થઈ ગયો પરંતુ તેની સાથે શરમાળ પણ થઈ ગયો. યુવાની એ સમાજની ભેટ છે એ આજની શાળા અને કૉલેજ ભૂલી ગઈ છે અને તેથી જ આજના યુવાનો પોતાની જાતને દુનિયાની બદલે ચેટમાં રિપ્રેઝન્ટ કરે છે. વર્ચ્યુઆલિટીના આ જમાનામાં આજનો યુવાન વર્સેટાઈલ તો થઈ ગયો પરંતુ આ થવા માટે જે મૂળ જોઈએ તે વિવેક અને વિનમ્રતા ચૂકી ગયો. આ કારણથી જ ઉદ્દ્ભવતી નવી સમસ્યા એટલે જનરેશન ગેપ.
હકીકતને બદલે અપેક્ષાઓમાં જીંદગી જીવવાનું શીખવાડતી આ આજની શાળા કૉલેજોએ મા-બાપ અને આ બાળકો વચ્ચે ભરોસાને બદલે ભ્રમ પેદા કર્યો છે. આ બંને વારંવાર જે મુદ્દાને લઈને યુધ્ધ ખેડાઈ છે તે છે યુવાનોની સ્વાતંત્ર્યતા."માય લાઈફ માય રુલ્સ" જેવી ટેગલાઈનોથી આજના હિરો_હિરોઈનો આજના યુવાનોની જીંદગીમાં મોટો ફેરફાર સર્જ્યો છે. આ હિરો_હિરોઈનો જીવનમાં એથીક્સને સમજાવે છે પરંતુ તેમના આ એથીક્સ પાછળના ઈરાદાઓ આજની યુવા પેઢી સમજી શકી નથી. તેથી તેઓ તે એથીક્સ કેવી રીતે તેમનામાં ડેવલોપ કરવાને બદલે તે પોતે હિરો કેવી રીતે બનશે એ માટે સતત મથ્યા કરે છે તથા વારંવાર એ વિડીયો જોયા કરે છેઅને તે હિરો_હિરોઈનોના ફેન બની જાય છે. બસ, એમને તો પૈસા મળી ગયા કેમકે, તેઓએ પ્રેક્ષકોને મજબૂરકર્યા કે તેઓ તેમને જોવે અને તેના જેવી લાઈફસ્ટાઈલ કેળવે. આજે મુંબઈમાં મોટા ભાગના યુવાનોને કાં તો મોડેલ બનવું છે કાં તો રોડીઝ અને કાં પછી એ.બી.સી.ડી. મુવીની જેમ ડાન્સર. ગુજરાતમાં કંઈક પરિસ્થિતિ અલગ છે.અહિં લોકો કાં તો એન્જિનિયર બને છે કાં તો ડૉક્ટર! બધાને કંઈક મોટું જ બનવુ છે. હકિકતમાં મુવીમાં હિરો_હિરોઈનો કરતા અગત્યનું કામ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનું છે. તેથી અગત્યનું કામ સ્ક્રિન પ્લે અને સ્ક્રિપ્ટ રાઈટીંગ. આ સાઈડની દિશા દેખાડનારો માર્ગદર્શકવર્ગ આજના યુવાનો પાસે છે નહિં.
માત્ર એક પરમહંસ જેવા ગુરૂથી ભગવા કપડાં પેરીને સ્વામી વિવેકાનંદ જો અમેરીકામાં ભારતનો ડંકો વગાડી આવે તો આજના યુવાનો શું ના કરી શકે?એવું નથી કે બધા યુવાનો ખરાબ જ છે ઘણા નહિં અઢળક સારા પણ છે. જેનું જીવંત ઉદાહરણ વિશ્વની સૌથી મોટીકંપની ગુગલના સી.ઈ.ઓ.એ ભારતના છે જે કદીના ભૂલવું જોઈએપરંતુ કેરીની પેટીમાં એક કેરી ખરાબ હોય તો પણ આખી પેટીને બગાડે અથવા એક સારી કેરી આખી પેટીને સારી ના કરી શકે.
આ ડીપ્રેશન, ફ્રસ્ટ્રેશન અને એટ્રેકશન(નશાનું) આજના યુવાનોમાં જોવા મળે છે એનું મેઈન કારણ છે સ્પિરિચ્યુઆલિટીનો અભાવ.આજની એક પણ શાળામાં આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી.જાતને પ્રેમ કરવાને બદલે તેઓ ચોપડીને અને મા-બાપ ભગવાનને પ્રેમ કરવાનું શીખવાડે છે. ભગવદ્ ગીતાથી આજના યુવાનો ભાગે છે.જે ચોપડી તમને જીવતા શીખવાડે એનાથી પર તેઓ પોતાના બાળકોને પર્સનાલિટી ડેવલોપમેન્ટના ક્લાસમાં મોકલે છે. અઢળક પૈસા કમાવીને યુવાનને શું કરવું છે તે ખબર નથી. બસ તેને પોતાને સોફેસ્ટિકેટેડ થવું છે બીજા માટે કંઈ જ કરવું નથી.
મિત્રો ક્લાઉડ સુધી પહોંચેલો આ યુવાન આજે જમીન પરનું બધું જ ભૂલી ગયો છે.આશ્ચર્ય તો ત્યારે થાય કે આ ૧૨૫કરોડ લોકોમાં જ્યાં સાક્ષરતા દર ઉતરોત્તર વધે છે ત્યાં સ્વચ્છતા અભિયાન પણ વધે છે. આ આજના યુવાનોનું  ભણતર છે જે પી.એચ.ડી. છે પરંતુ પ્રકૃતિ પ્રત્યે તેની કોઈ જ ફરજ બજાવતો નથી તેને બસ પૈસાથી   જીતીને જીવી લેઉં છે. હવે અત્યારે તેને કોઈ સમજાવવા વાળું નથી કે ખાલી ભણતર ભેંસ બરાબર.. આપણે એ ક્યારેય ના ભૂલાય કે સૌથી સાક્ષર કેરળમાં લગ્નો કરતા છૂટાછેડાં વધું થાય છે. આ સર્વેમાં મુખ્ય આનું કારણ હતું ભણતર. ઈગો અને  પર્સનાલિટીના આ જમાનામાં લોકો ઈશ્વરને ભૂલી ગયા છે. પ્રકૃતિના ખોળે રમાતું જીવન એ યુવાનોમાં પોલિયાના રોગની જેમ નાબૂદ થઈ ગયુ છે. હેમંત, વસંત, ગ્રીષ્મ, શિશિર અને પાનખર જેવી ઋતુઓ હવે ભૂલાય ગઈ છે. આ જમાનો ટોમેટીના ફેસ્ટિવલનો છે. ક્યારેક તો એવો વિચાર આવે છે કે જો પેલી ઋતુઓ હજી હોત તો આજનો યુવાન ખીલી શકત તેના મનની મરજી મુજબ જ્યારે આજના આ ફેસ્ટિવલમાં તે એક ટ્રુક કે સ્વીમીંગપુલમાં બંધાય જાય છે. જીવનમાં પણ કંઈક આવી જ રીતે શરમાળ થતો જાય છે સોફેસ્ટિકેટેડ થવાની સાથે..
૧ થી ૧૨ કોએજ્યુકેશનના અભાવને લીધે આજનો એન્જિનિયર યુવાન લોકો સામે શરમાય છે. આ માત્ર કારણને લીધે તે કૉલેજની જીંદગીને માત્ર હરવાફરવા અને મુવીની જેમ જીવવા માટે સતત મથે છે. આ રીતે વાસ્તવિકતાથી ભાગતો આ યુવાન સાચા ભણતરથી પર રહે છે અને હિરો ભરી આ યુવાની ઝીરોમાં પરીણમે છે. તે કરવા કંઈક માગે છે અને તેનાથી થઈ રહ્યું હોય છે અલગ અને લોકોની અપેક્ષા તેની પાસેથી કંઈક અલગ જ હોય છે. આ બધી માયાજાળમાં તે એકપણ ધંધો કે નોકરી કરી શકતો નથી અને લાખોની આવક પણ અહિં તમને ખુશી અપાવી શકતી નથી.
આ પરિસ્થિતિથી વિપરીત વિચારીએ તો એક યુવા વર્ગ એવો છે કે જેની પાસે મહિનાની લાખોની આવક છે અને તેઓ પોતાના મમ્મીપપ્પાને ૫ સ્ટાર હોટેલમાં લઈ જાય છે અને ત્યાં તેના મમ્મી બોલે છે "એ ભાઈ, ચમચી આપો ને.." અને એ ૨૫ વર્ષનો દિકરો ત્યાં કહે છે કે "સોરી માયમોમ ઈઝ ટુ મચ ઓલ્ડ વરઝન.." આ યુવાન જીવંત ઉદાહરણ કહી શકાય શરમાળ અને સોફેસ્ટિકેટેડનું.
ત્યારે એ યુવાન શરમજનક ફિલ કરે છે કે તેના મમ્મીને ઈંગ્લીશ આવડતું નથી. હકીકતમાં માતૃભાષા આવડવાનો ગર્વ હોવો જોઈએ પરંતુ એનું મૂલ્ય કોઈ સમજી શકતું નથી.
આ લાજ,શેહ,શરમ આપણા યુવાનોને પાછળ ધકેલે છે. માતૃભાષાનું જે યુવાનોને ગૌરવ ના હોય તે ભલે ગમે તેટલો આગળ વધે તેની આ શરમને મૂકી શકે નહિં. આપણને નવાય ત્યારે લાગે જ્યારે ખબર પડે કે આપણા સિવાય બધી જગ્યાએ માતૃભાષાનું ગૌરવ છે. આજના યુવાનો વરઝનથી અપ-ટુ-ડેટ થવામાં વિચારોથી એક્સ્પાયર થઈ ગયા છે.

આ પરિસ્થિતિમાં આજની શાળાકૉલેજો આ શરમને દૂર કરવા જો સાથ અને સહકાર આપે તો જ આજનો યુવાન ખરા અર્થમાં જીંદગીની મજા માણી શકે. જેમ માત્ર સરકારથી દેશના સુધરે તે રીતે શાળાકૉલેજોથી પણ યુવા પેઢી ન સુધરે તે માટે માબાપનો સાથ સહકાર અને યુવાનોનોઉત્સાહ જોઈએ. તો જ આ દેશના યુવાનો ખરા અર્થમાં સમર્થ બનશે.
(આશા રાખું છું આપને આ રચના ગમી હશે. આપના સારા નરસા ફિડબેક આવકાર્ય છે.)


No comments:

Post a Comment