Tuesday 14 November 2017

એકલતા!

એકલતા!

શાંત થઈ ગયેલું મન કોને ઝંખે છે ખબર નહિં! આ અકળાવનારી એકલતા જાણે અડીખમ છે, સંબંધો જેવા વધે છે કે સમજણ આગળ આવીને સંબંધને તોડી દે છે. જોકે, સંબંધ તૂટતા નથી! નિકટતા ઘટે છે. સ્વાર્થી આ એકલતા એવી તે ઈર્ષ્યાળુ છે કે કો'કનો સંબંધ પણ સહન નથી કરી શકતી. કદાચ, એટલે જ લોકો કહેતા હશે કે પહેલા એમનો સંબંધ બહુ જ સારો હતો પછી કોઈકે પેલાંના કાનમાં ઝેર ભેળવ્યુ. એકલતાને પણ કેટલી અદેખાઈ! પોતે તો કોઈની સાથે ના જોડાઈ શકે પણ બીજા જોડાઈ એને જોઈ પણ ના શકે. બહુ ડાહપણ મારતી આ એકલતાની એક ખામી છે, જેવું તો નિર્ણય કરવાનો વારો આવે કે તરત જ તે કોઈનો સાથે શોધે છે. આમ જુઓ તો તે ડરપોક જ કહેવાય! કારણકે, જો નિર્ણય ખોટો પડે તો તે સામેવાળા પર ઢોળી દે છે. જો એકવાર પણ સાચો પડે તો? વાહવાહી જોઈએ સાહેબ! સુખનું શેરીંગ ના થાય તો એનાથી વધુ દુઃખ બીજું એકેય નથી. એકલતા બરાબર આ જાણે છે. માટે, તે એવા કામચલાઉ સંબંધોને પાળે છે. વિવિધ કામોને આધારે સંબંધોનું નામકરણ પણ થાય છે. સંબંધને સમય મળતા તે વિકસે છે ને પછી? હેહે..નિકટતા ઘટે છે. એકલતા ફરી નવા સંચાલનો લઈને નવા સમીકરણો સાથે સંબંધો સાંધે છે. એકબીજા માટે મરી પડતા લોકો કે મિત્રોમાં રહેલી એકલતા જ્યાં સુધી અસરકારક ભાગ નથી ભજવતી ત્યાં સુધી બધુ બરાબર રહે છે. પછી? ફરી એ જ ઈર્ષ્યાળુ વાતો! આ બધાની વચ્ચે અમુક સંબંધો જીવનભર સચવાય જતા હોય છે. જતુ કરવાની ભાવના સાથે જળવાઈ રહેતા સંબંધો! તેમાં પણ બંને પક્ષે એકલતા તો એ જ અનુભવ કરાવે છે કે મૈં વધુ જતુ કર્યુ છે! જો હું ના હોત તો સંબંધ ના ટકત! શબ્દો થકી આ વ્યક્ત નથી થતુ ને સંબંધ ટકી જાય છે. પોતપોતાની પેઢીને એ સમજાવવામાં આવે છે કે આપણે જતુ કર્યુ ને સંબંધ ટક્યો. આવનારી પેઢીમાં આવેલી એ એકલતાનો અહંકાર એને એ સંબંધથી અંતર રાખવા મજબૂર કરે છે. લોકો માની લે છે કે 'બાપા જેવું દિકરો ના સાચવી શકે!' પણ અહિં વાત તો એ ઘર કરી ગયેલી એકલતાની જ છે. પહેલા સંબંધો સાચા હતા? લોકો એકબીજાના હતા? જતુ વધુ કરતા? સમ્માન આપતા? ના.. એકલતાનો અભાવ માત્ર તે બધાનું કારણ હતુ. આજે સંબંધો ખોટા, સ્વભાવ ચિડીયો, ચહેરો નિસ્તેજ અને ઉચાટીયો જીવ! એકમાત્ર કારણ એકલતાનો અતિરેક! ઓશોને એકલતા વ્હાલી હતી પરંતુ તે એકલતાથી અસ્તિત્વને ઓળખતા, એકલતાના અવાજને સાંભળતા! આજે લોકો એકલતાથી કંટાળીને આપઘાત તરફ વળે છે ત્યારે આ એકલતાનો અતિરેક થાય એ પહેલા અટકી જવું!
#sabdnisafar

No comments:

Post a Comment