Tuesday, 14 November 2017

એકલતા એક પસંદગી કે પડકાર?

એકલતા એક પસંદગી કે પડકાર?
'ચર્ચાને કોઈ સ્થાન નથી.' બાળપણથી આ વાક્યને સાંભળતો આવ્યો છુ. સમયની સંગાથે જ્યારે ઉંમર અને અનુભવની સાથે લોકોની એકલતામાં થતો વધારો જોવ છું ત્યારે એમ થાય છે કે ભલે ચર્ચાને સ્થાન નથી પણ ચર્ચા વગરનું જીવન પણ ચર્ચાસ્પદ છે. એકલતા, આજના મારી જેવડાં યુવાનોનો ઉભરતો પ્રશ્ન! વાનરો પછીની ઘણાં વર્ષોની ઉત્ક્રાંતિએ આ સમાજની વચ્ચે આજે અત્યંત સક્રિય, સબંધને સસ્તો સમજતી ને સંપત્તિમાં જ સમજણ કેળવતી અમારી આ યુવા પેઢી આપી. જે માત્ર અને માત્ર માણસોને ઝંખે છે. એક એવા સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ કે જેમાં સંતોષનો અભાવ છે ને ગુસ્સાવાળો સ્વભાવ છે. આજે જ સાંઈરામ દવેના લાઈવ કાર્યક્રમમાં સાંભળ્યુ કે એક એવો સમય આવશે કે જ્યારે ઈવેન્ટ મેનેજમેન્ટવાળાને ત્યાંથી ચાર માસી ને છ મામાનો મેળ કરવો પડશે. સુંદરી અને સંપત્તિની સંવેદના એટલી ઘર કરી ગઈ છે કે હવે સ્વભાવમાં સળવળાટ નક્કી છે. સાહેબ, અમારી ઈચ્છાઓને પૂરી કરી શકાય એમ જ નથી. કેમકે, બધાને કંઈક થવું છે. 'શું?' આ પ્રશ્નનો જવાબ જ નથી. એક એવા ઓરડાને શોધવા જઈએ છીએ જેની દિવાલ ના હોય. અમારે મહેનત નથી કરવી એમનેમ પૈસા જોઈએ છે. અમે માત્ર ૧૦ વર્ષના અનુભવ ધરાવેલ વ્યક્તિની સફળતા જ જોઈએ છીએ. તેઓની એ મેળવવા પાછળની એમની ધગસ કે એમની ઈચછાઓનું બલિદાન ધ્યાનમાં લેતા નથી. સંદિપ મહેશ્વરીના એક સેમિનારમાં બહુ જ સાચુ કહેલું કે 'જો તમારે વ્યસન કે કોઈ વસ્તુની આદતો કે પછી પોતાની ગાડી પાટે ચડાવવા માટે કોઈ નુસખાની નહિં એક "વજહ(ધ્યેય)"ની જરૂર છે. અહિં ગુગલના બતાવેલા રસ્તાઓ નહિં જીવનમાં કોઈકના માટે કાં તો પોતાના માટે કંઈક કરવાનું ધ્યેય કેળવો. આથી વિશેષ જો એકલતાને વધુ ખંખેરીએ તો ખબર પડે કે આજે લોકોને લોકો સાથે ફાવતું નથી. યુવાનીના સંદર્ભમાં કહુ તો ગૃપીઝમ હોય છે. એક માધ્યમ સેટ કરવામાં આવે છે મિત્રતામાં! હંમેશા આ સમયે બધાને કૃષ્ણ અને સુદામા યાદ આવે ખરું ને? હકીકતમાં આ કદાચ હું કે આપના બાળકો કરી શકતા નથી. આ મૈં એક તારણ પરથી લિધેલું છે. બહુ જ સહજ છે જો હું કોઈકને આવકની દ્રષ્ટિએ માપીને મિત્રતા કેળવું તો મારા માધ્યમથી ઊંચા સાથે મિત્રતા કેળવવામાં હું અચકાઉં. આથી ઊલટું મારા માધ્યમથી નીચાની મિત્રતા સહન ના થાય! તો વધ્યા બહુ જ જૂજ! બસ, આ માધ્યમોને જો મારીને માણસાઈ કેળવી માન આપતા થઈ જશું તે'દિ સંતોષની સાથે સફળતા મળશે. એક બહુ જ ચોખ્ખી વાત છે કે મને તો જ બધા સાથે ફાવતું ના હોય જો હું લોકો સાથે રહેલો ના હોય! અમારી આ પેઢી લોકો જોઈને ફ્રિડમની વાતો કરે છે ને રૂમમાં એકલા બેઠા-બેઠા પોતાને સાંભળનારો ઝંખે છે. અમને એવું જોઈએ છે કે જેથી ઘરમાં બેઠા-બેઠા અરીજીત સિંઘ કે મોબાઈલમાં જ જગજીતજી થઈ જવાય. સંઘર્ષોને લગભગ ૨૧ વર્ષ સુધી આજના યુવાનોએ જોયા નથી હોતા. આ ઉંમર બાદ યુવાનો સંધર્ષ કરી પણ નથી શકતા એનું એક માત્ર કારણ ભોગવેલી સુવિધાઓ જ છે. પૈસાની કિંમત પપ્પાથી છૂટ્ટા પડ્યા પછી સમજાય છે. જવાબદારીઓનું ભાન આપણે ત્યાં મુશ્કેલી આવે ત્યારે સમજાય છે. સંબંધોમાં સમજણ મોડી આવવા લાગી છે એટ્લે જ સુખોમાં ઊણપ આવવા લાગી છે. કેમકે જ્યારે સમજ આવે છે ને ત્યારે સંબંધ એવા સ્થાને પહોંચી ગયો હોય છે કે જ્યાંથી તેનું સમાધાન શક્ય નથી. ઓશોના મત મુજબ એકલતા માણસને ગમવી જ જોઈએ પણ જાતને પ્રેમ કરવા માટે, વસ્તુને નહિં! આપણને વસ્તુઓ જોઈએ છીએ. કદાચ, અમારી પેઢી પણ ત્યારે જ લોકોને ઝંખે છે જ્યારે નેટ બંધ હોય કે વસ્તુની ઓટ હોય. સમય જતા સમજવુ તો રહ્યુ જ કે આ એકલતાની પસંદગી એક પડકાર તો નહિં બની રહે ને?
#sabdnisafar :-)

No comments:

Post a Comment