Tuesday 14 November 2017

'ઉપાધિ'

છે કોઈ માણસ દુઃખ વગરનો આ શહેરમાં?
અરે! જો હો તો નાખી દેશે બધા એને વહેમમાં!
'ઉપાધિ'
આજના સમય પ્રમાણે હ્રદયના ધબકારાની સાથે જો કોઈ ચાલતું હોય તો એ છે 'ઉપાધિ'. મારે, તમારે..અરે ભાઈ સૌ કોઈને છે! બાળકોને મમ્મી પોતાની પાસે નથી રહેતી એની ઉપાધિ તો મમ્મીને બાળકો માટે સમય નથી દેવાતો એની ઉપાધિ. ભણતાં યુવાનોને ભણ્યા વગર પૈસા નથી મળતા એની તો તેમના મમ્મી-પપ્પાને બાળકોના ભણતર માટે પૈસા કમાવવાની, વૃધ્ધોને વહુ સાથેના વિચારોના મતભેદ દૂર કરવાની તો વહુને સસરાને ગમે તેવી વાનગીઓ બનાવવાની..લ્યો છે ને ઉપાધિ? હકીકતમાં જો તમારા જીવનમાં અઢળક આવી પરિસ્થિતિઓ આવતી હોય તો તે ઉપાધિ કે મુશ્કેલી નથી. આ બધુ અચાનક મનોમન ગેરસમજણથી ઊભી કરેલી પરિસ્થિતિ છે. બધુ અટકી શકે જો એક સેકન્ડનો બ્રેક લાગે તો! થોડુંક વિચારો તો ખબર પડે કે ક્યાંક આપણે ઉતાવળ કરી રહ્યા છીએ. અહિં આળસને આગળ રાખવાનું વલણ નહિં પણ પરિસ્થિતિના આગામી અને પુરોગામી સંદર્ભોને ધ્યાનમાં રાખીને વર્તવાની વાત છે. જો તમે ખરેખર બદલાવ ઈચ્છતા હો તો પ્રયત્ન કરજો. બહુ અઘરું નથી. મારા ભી પ્રયાસો ચાલું જ છે. પ્રશ્ન હશે જ કે કરવાનું શું? એક સેકન્ડનો બ્રેક એટલે? એટલે એમ કે બોલતાં પેલાં તમારા પોતાના વલણને જો ઊંધુ કરીએ તો ખરેખર તમે એ કામ કરી શકો એમ છો? એનાથી સામેવાળો માણસ ખુશ થાય એમ છે? મોટાભાગના મતભેદો દૂર થઈ જશે. સામેવાળાને સમજાવવાનો મોકો આ એક સેકન્ડ તમને આપશે. આપણી તકલીફ જનરેશન ગેપ નથી. એ તો હતો છે ને રહેશે! મારા મમ્મી એના મમ્મીનું નથી માનતા અને હું એનું નથી માનતો! સ્વાભાવિક છે. જે જોઉં છું એમ વર્તું છુ. તકલીફ આ છે.. બધાને પોતાની પરિસ્થિતિ લાદવાની મજા લેવી છે. ચૂલામાં કામ કરતા એ મમ્મી-પપ્પા "અમે અશોક સ્ટવમાં કામ કરતા.." એ કહે તેટલું જ સારું લાગે. ઘરના સંતાનોને પ્રેરણાં મળે પણ જો તે એમ કહે તમે પણ તે જ કરો! તો યુવાનો તરફનો અસ્વીકાર હિતાવહ છે. કેમકે, એને પ્રેરણા તો સંદિપ મહેષ્વરીના સેમિનાર પણ આપી શકે છે. આ તો એ શીખ્યો છે કે મા-બાપને સર્વોચ્ચ રાખી તેમનામાંથી પ્રેરણા લેવી. આપણા સંસ્કારોમાં આ છે. માટે, પરિસ્થિતિને લાદવા નહિં પણ તે એક પ્રોત્સાહન મળી રહે એ જરૂરી છે. આનાથી વિપરીત યુવાનોનો ગમતો વિષય 'પરિવર્તન' અને તે પરિવર્તનની સામે તેના સ્વીકારનું પ્રમાણ જરા હલી ગયુ હોય એમ લાગે છે. તેને સરખું કરવું એ આજની યુવા પેઢીની ફરજ છે. કારણકે, ગ્રેજ્યુએટ કે અભણ બાપના દિકરા પી.એચ.ડી. થઈને પરિવર્તનની વાત કરે તે પિતા તેને પચાવી શકે. માત્ર એક ડગલું આગળ, પી.એચ.ડી. થયેલા એ દિકરો પોતે પિતા બનશે ત્યારે પરિવર્તનને પચાવી શકશે? શું ત્યારે બંને ભણેલા વચ્ચે સ્ટેટસ, અહંકાર, હોદ્દો નહિં નડે? ખરેખર અનુભવ વગર આનો જવાબ શક્ય નથી. આ પ્રશ્નો એટલે થયા કેમકે આજના પિતા પોતાના દિકરાના સુખ માટે પરિવર્તન પચાવે છે. જ્યારે અમને પોતે સુખી રહેવું એ જ શીખવાડવામાં આવ્યુ છે. જતુ કરવાનો ફેક્ટર અમારામાં ક્યાંક અધૂરો રહી ગયો છે. સમય તો અફર છે. કદાચ બને કે, અમારે અત્યારે જતુ ના કરવું પડે પણ એકવીસમી સદીમાં આધેડ વયે વધારે જતુ કરવું પડે! અમે આગળ છીએ માત્ર અમુક મુદ્દાઓથી જેમકે ભૂતકાળ અને પંચાત અમારા જેવડા જીવડામાં નથી. ક્યાંક આ ટેક્નોલોજી, સતત નવું અને અડવિતરું કરવાની ઈચ્છા ને ક્યારેક ઉંમર પ્રમાણેની અભિલાષાને આધીન અમે એ કરતા નથી. મિત્રતા ચોક્કસ વધી છે પણ "કોઈ નથી ત્યારે હું છું" આ કહેનારા જીવનસાથીની ખોટ થતી હોય એમ લાગે છે. સંબંધોથી ને સંવાદોથી લોકો ડરતા થયા છે. વિવાદાસ્પદ જીવનથી કંટાળ્યા જરૂર છે પણ વિભક્ત કુટુંબ એ જ એનો ઉપાય નથી એ સમજની ઉણપ અહિં વર્તાય છે. સુખ - દુઃખ વિરોધી નહિં અવસ્થા છે એ આવવાની છે ને તેને સ્વીકાર્યા સિવાય એનો ઉપાય નથી. તકલીફ એ છે કે નાના સુખને ભોગવતા આવડતુ નથી ને બધે દુઃખ દેખાય છે. તો વળી, મોટા સુખને શોધવામાં નાના-નાના દુઃખ પાછળ રોઈએ છીએ! 
#sabdnisafar 

No comments:

Post a Comment