Tuesday, 14 November 2017

વિચારોનો_વિપ્લવ!

વિચારોનો_વિપ્લવ! 

બે મિનિટ માટે એ માણસ આખો મને તરવર્યો! હા, મૈં એની સાથે માણેલા ક્ષણો, એનો સ્વભાવ, એની વાતો, મારા વિશેના એના અભિગમો ને બીજુ ઘણું બધુ! દિલથી કહુ તો છેલ્લી બે મિનિટથી તેના જ વિચારો ચકરાવે ચડવા માંડ્યા. બે વર્ષ પહેલા તેની સાથે વાત કરી હશે. હા, વોટ્સએપમાં તહેવારોની શુભેચ્છાઓ જરૂર એકબીજાને આપતા. એક વાત સાંભળેલી માણસની કિંમત તેની ગેરહાજરીમાં વધી જાય છે. આજે અનુભવ પણ કર્યો. અમારી યાદો જે રીતે મારી નજર સમક્ષ જતી હતી તે રીતે તો ફોટાઓની મને જરૂર ના લાગી. એક જરૂર છે ફોટાઓ ના હોવાથી મને જૂનું યાદ રાખવાની ટેવ પડી ગઈ. લાગણીઓના સમંદરમાં હું ડુબેલો હતો. આમ જુઓ તો લાગણી એક એવી સ્ત્રી છે કે પાણીપોચા હ્રદય સાથે એકમેકથી જોડાયેલી છે. વાતવાતમાં તે બધુ પોતાના પર લઈ લે છે પણ જેવી કોઈક બીજા માણસ સાથે બંધાઈ છે કે તે તેને વળગી રહે છે. અહ્ મ એક એવો પુરૂષ છે કે જે વિચારશીલ બુધ્ધિ સાથે જોડાયેલો છે. હા, બે વર્ષ પહેલા મારો ને એનો સંબંધ તૂટ્યો હતો. મારે એની સાથે વાત કરવી હતી પણ મને અહ્ મ નડતો હતો ને એને મૈં કહેલી "હવે આપણે વાત નહિં કરીએ" આ લાગણી! કોઈએ સાચુ જ કહ્યુ છે કે સ્રી જેટલું જતુ કોઈ કરી શકતુ નથી. "માં" થી મોટું કોઈ ઉદાહરણ વિશેષ રહેશે નહિં. બુધ્ધિએ તેને નજર સામે લાવવા મજબૂર કર્યો. ફોનની ગેલેરી ફંફોડી, ના મળી તે ના જ મળી! અંદરથી અચાનક અવાજ આવ્યો. "તમારા બંનેનો સંબંધ તસ્વીરોમાં કેદ કરવો શક્ય નથી." હા, એ એના ચહેરાની ખુશી, અમારી નાની-નાની વાતોનું આદાન-પ્રદાન ને રાત્રે સૂતી વખતે તેને યાદ કરીને આંખો બંધ કરવી. એ કોઈ તસ્વીર કેમ પોતાનામાં કેદ કરે! સવારે એના મેસેજની રાહ તો વળી, એકબીજા પ્રત્યેની ધ્યાન રાખવાની વૃત્તિ, મર્યાદાની સાથે વિસ્તૃત સંબંધ ને અવિરત મિત્રતા તો ખરી જ! સંબંધની હદ નક્કી કરી હતી હજુ પણ સંબંધ તોડ્યો નહોતો. સમજણનો વધારો કે યુવાની વિચારના વિકારો પણ બંને સમજી ગયા હતા કે હવે આગળ નહિં વધી શકાય! આ ઉપરાંત બીજા ઘણાં કારણો હતા પણ કોઈ ૬ બાય ૬ નું ચોકઠું આ બધુ કેમ સમાવી શકે? ફોટાઓ અત્યારની મારી યાદ જેવા હતા. એકલા હોવ અથવા તો સાફસફાઈ કરીએ ત્યારે બે-ત્રણ મિનિટનો આનંદ અપાવે! આથી વિશેષ કંઈ જ નહિં! આમ પણ પુરૂષને બે-ત્રણ મિનિટ યાદ કરીને ભૂલી જવાની ટેવ હોય છે. અત્યારે એમ થયુ કે ગમે તેટલા પૈસા કમાઈએ પણ છેલ્લે તો ભસ્મ એટલે ભસ્મ જ! "બેટા, આ તારી ચા." દસેક મિનિટ પછી મમ્મીએ આવીને મને ભાન કરાવ્યુ કે તુ છેલ્લી દસેક મિનિટથી છાપાના એક જ પેજ પર હતો ને તારી બે વર્ષ જૂની પ્રેમિકાને અવસાન નોંધમાં નીરખી રહ્યો હતો. હા, હું રડ્યો ન્હોતો કેમકે એ પાછી આવી શકે એમ નહોતી ને મારી ભૂલ કબૂલ કરવા મને મારું પુરૂષત્વ નડતું હતુ!
#sabdnisafar

No comments:

Post a Comment