એક્વાગાર્ડની વેસ્ટેજ લાઈનમાંથી પડતા પાણી સિવાય કોઈ બોલતું ના હતું. સંવાદોનું અસ્તિત્વ કદાચ શમી ચૂક્યું હતું. કોણ વાતની શરૂઆત કરે ને કઈ વાત ક્યાં પહોંચે ને કદાચ આ વાત ઝઘડાનું કારણ બને તો! આ ડરથી કોઈ ચુ કે ચા કરવા તૈયાર ના હતા. બેઠકના ખૂણામાં બેઠેલી અગિયાર વર્ષની દીકરીની આંખો ભરાયેલી હતી. આંસુઓને બહાર આવવું હતું પણ જો 'પોતે ઢીલી પડશે તો પપ્પા પણ પીગળી જશે' આ વિચારમાત્ર તેને મજબૂત બનાવતો હતો. બારી તરફ નજર રાખીને પગ ઉપર પગ ચડાવીને બેઠેલા એ દીકરીના દાદા કેતા ઘરનો મોભી મોબાઈલ દ્વારા પોતાનું ગમ છુપાવી રહ્યો હતો. દીકરીના દાદાથી નાના ત્રણ ભાઈઓ બેઠકમાં ગોઠવાયેલા હતા. કોઈ આંખ બંધ કરીને તો કોક ટીવી ચાલુ કરીને આવેલા સમાચારને ભૂલવા મથી રહ્યા હતા. એકબીજાની રાહમાં બેઠેલા બધા એકબીજાની સામું જોવાનું ટાળતા હતા. મમ્મીની રાહમાં ઘડી ઘડી દરવાજે ચાલી જતી દીકરીને જોઈને તેના પપ્પાએ તેને ખેંચીને સોફા પર બેસાડી દીધી. "નઈ આવે હવે તારી માં!" પોતાની માતાનો પોતાને છોડીને ચાલ્યા જવાનો નિર્ણય સાંભળીને એ દીકરીને ડૂમો ભરાઈ આવ્યો પણ એ રડી નહિ! ઘરના ખૂણે ખૂણે તેની માતાના સંભારણા હતા. દરેક કબાટમાં તેની યાદો હતી. કંકાવટીથી લઈને મંદિરના લાલા પણ એને ઝંખતા હતા. રસોડાની પાસેથી તેની રોનક છીનવાઈ ગઈ હોઈ એમ લાગતું હતું. ઘરના કણ કણ માં તેની મમ્મી વસેલી હતી. વાસણો જાણે વંઠેલ થઈને પડ્યા હોઈ એમ ખાટલીમાં વિખરાયેલા હતા. ચાર દાદાની સાથે પોતાના પપ્પા ને ઘરમાં એકેય બૈરું નહિ! લક્ષ્મી વગરના આ ઘરનો સન્નાટો કદાચ અસહ્ય હતો. પંપની દુનિયામાં ખ્યાતનામ એવા હિતેનભાઈ જોબનપુત્રાની વહુનું આમ ઘરમાંથી જવું એ મીડિયા માટે પણ રોચક સમાચાર હતા. પૈસાના સોદા બંને પક્ષો ઝંખતા હતા. જમીનોની આપ-લેથી જ મામલો થાડે પડે એમ હતો. વાંક કોનો હતો એ કરતા હવે દિકરીની જીંદગી શું? એ પ્રશ્ન હિતેનભાઈને સતાવતો હતો. આવનારા ત્રણ જ દિવસોમાં જ્યારે દાદાને દિકરો ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે દિકરી ઘરે નથી. સૌ પહેલા દુશ્મનની ઘરે તપાસ કરવાનું વિચાર્યુ. જો ત્યાં ના હોય તો મામલો બગડી શકે એમ છે. હિતેનભાઈની પહોંચ અને રુત્બાને ધ્યાનમાં રાખીને અનાથાશ્રમમાંથી ફોન આવ્યો. પોતાના ઘરનું સંતાનને ત્યાં દાખીલો લેવાના વિચારે જ હિતેનભાઈને ધ્રુજાવી દિધા. તે જ સાંજે પોતાની પૌત્રીને એકલા મળવા ગયા. "દાદુ, મારે બંને સાથે રહેવું છે. મારો સોદો થાય એ કરતા મને કો'ક દતક લેશે એ પોસાશે.' આ જવાબથી વધતી સમજદારી ને પોતાના પરિવાર માટે આવનારી ગંભીરતાને હિતેનભાઈ બરોબર સમજી શકતા હતા. બરાબર ૮:૦૫ થઈને ૫૦૦ તેમજ ૧૦૦૦ વાળી નોટો બંધ થઈ. કાળાનાણાંના ધારકોના સૂપડા સાફ કરનારા વડાપ્રધાનના આ નિર્ણયથી બંને પક્ષો હલી ગયા. એકબીજાની ખબર હોવાથી હવે સમાધાન સિવાય કોઈ રસ્તો નહોતો. એ જ મા-બાપ પોતે પોતાની પુત્રીને લેવા અનાથાશ્રમ ગયા અને જાણે બંને સામુ નહિં જોવે એવા સમ ખાઈ લીધેલા વેવાઈ એક થાડીમાં જમવા લાગ્યા. કુટુમ્બ સિવાય એકબીજાનું કોઈ નહોતુ. ધન,સુખ સંપત્તિ કેતા કાળું નાણું છિનવાઈ ગયુ હતુ. તો વળી, એ પણ શીખ્યા કે સંબંધ સંપત્તિને જોરે નહિં સમજદારીથી બાંધીએ તો એ સોદો નહિં સમર્પણની ભાવના જગાવે છે. સમાજમાં આવી જ સુવાસની જરૂર છે. હજુ પણ આપણે બીજાની સફળતાની નિંદા કરતા અચકાતા નથી. નિર્ણયોને નીચા પાડવા, ભ્રષ્ટાચાર વિશે લખવું, કોઈકના ઉપર અસંતોષ દેખાડવો આ બધુ બહુ જ સહેલું છે. જ્યારે નવા નિર્ણયોને સર્વોત્તમ માન આપીને તેનું પાલન અને તેને અનુસરવા એ જ એક નાગરિક તરીકેની ફરજ છે. સંબંધની હદ આપણે નક્કી કરીએ છીએ. જ્યાં સુધી તમારામાં જતુ કરવાની ક્ષમતા, ભૂલોને ભૂલવાની તાકાત છે ત્યાં સુધી તેના પૂરા થવાની સરહદો દૂર જ છે. બાકી પૈસો તો આવતા પેલા જ હદ આપી દે છે. જરૂરી બંને છે. અહિં પણ મહત્વ કોને આપવું એ પોતપોતાના પર જ છે.
#sabdnisafar
No comments:
Post a Comment