Saturday, 2 December 2017

અનુભવ!

અનુભવ!


કહેવાય છે કે બાળપણમાં મમ્મી-પપ્પા ઉછેરે છે તો યુવાનીમાં મિત્રો ત્યારબાદ પત્ની અને અંતમાં આવનારી પેઢી માણસને સતત જીવંત રાખે છે. આ બધાની વચ્ચે હસવુ, રડવુ, રિસાવુ તો વળી ક્યારેક ગુસ્સો, ગમ અને ગૂઢતા કંઈક ને કંઈક શીખવી જાય છે. જેમ સ્વપ્ન આવનારા સમયને દેખાડે છે, પીઢતા નિર્ણયો લેવાની ક્ષમતા સુધારે છે ને રમૂજી સ્વભાવ લોકોના ચહેરાની મુસ્કાન વધારે છે તેમ થનારા અનુભવ તમને અનેક અવસ્થામાં ઉતારે છે. લાગણીશીલ સ્વભાવથી લઈને લોખંડીપુરુષના સ્વભાવો જાણવાથી તમે જીવન જીવવાની રાહ બદલી શકો છો પણ સ્વયં અનુભવથી એ રાહમાં આવતી અડચણોનો સામનો કરી શકો છો. દરેક ક્ષણે એક અનુભવ છે. શબ્દોનું વહેવુ, માં ની મમતા, ખાલીપો, પહેલો પ્રેમ, પ્રથમ આલિંગન, નાની નાની મળતી સફળતાઓ, ધારેલું ના થવુ, સ્વ્પનાઓમાં સહવાસ, યુવાનીના કપટી વિચારો, ગુસ્સો, ચિડીયાપણું, સંસાધનોમાં રચ્યા-પચ્યા રહેવું, ગીતોમાં કલ્પાયેલી આપણી પ્રેમિકા, રાત્રિના એ સંવાદો, મિત્રો સાથેના ઝઘડાઓ તો ક્યારેક ફોટાઓ જોઈને આવતી એ યાદો. વિચારવિહિન એ કલાકો પણ એક અનુભવ જ છે ને! સંબંધોના ઉતાર ચડાવ પણ થયેલા અનુભવોથી શીખી શકાય. માફી માંગવાની ભરપુર ઈચ્છા હોય પણ હિંમત ના ચાલે ત્યારે શું કરવુ ને શું ના કરવું એ પણ એક અનોખો અનુભવ છે. જીવનના સફરની અંદર જ અનુભવોની એક અનોખી સફર છે. ખાટા-મીઠા અનુભવો તો દરરોજ આપણી સાથે થતા હોય છે પણ અમુક અનુભવોનો સ્વાદ જીવનભર યાદ રહી જાય છે. આમ જોઈએ તો એ અનુભવોના વિચારોનો વિચાર પણ એક અનુભવ છે. દરેક માણસ બધા જ અનુભવો કરી શકે એ શક્ય નથી, માનવ સહજ અનુભવોમાં સામ્યતા હોય શકે! થતા અનુભવો તમને બે જ પ્રતિક્રિયાઓ આપી શકે, સંતોષ અને ઝંખના! પડકારરૂપ અનુભવ તમારી તરફદારી કરતુ હોય તો સંતોષ નહિં તો એ મેળવવાની ઝંખના! નિષ્ફળ થયેલો યુવાન બહુ જ મહેનત કરે પછી પણ જો અનુભવ પડકારરૂપ જ હોય તો તે કાર્યને પડતું મૂકે! આ સમયની માનસિક અસ્થિરતા એ પણ એક અનોખો અનુભવ છે. લોકોને ખરીદેલી મોંઘી વસ્તુ દેખાય છે તે પાછળની મહેનત નહિ! તેમ વાસ્તવિક સ્થિર અને સહજ માનસિકતા ધરાવતા માનવી પાછળ પણ અણગમતા અનુભવો હોય શકે! તમારી ભૂતકાળની અવસ્થા ત્યારે જ તમારો અનુભવ બને જ્યારે તમે એ અવસ્થામાંથી સફળ બહાર આવો. માત્ર સફળ વ્યક્તિ દુનિયામાં જો હયાત ના હોય તો માત્ર નિષ્ફળ વ્યક્તિ પણ ના જ હોય! તેમ દરેક ને સમયાંતરે સફળતાઓ મળતી રહે છે. માટે, અનુભવોના એ અવશેષોને ભેગા કરીને માનવી પોતાના જીવનમાં આગળ વધવા માગે છે. પ્રેરણાઓ તો બધા આપી શકે, ટેક્નોલોજીના જમાનામાં પ્રેરણાત્મક સ્પીકરો પણ મળી રહેશે! થતા અનુભવોમાંથી પ્રેરણા લેવી એ પણ એક અનુભવ છે. સમયની સાથે જીવવામાં મજા છે પરંતુ અનુભવોને ઓળઘોળ રહે છે જિંદગી! ભૂતકાળને ભૂલી જવો યોગ્ય છે? વ્યક્તિદીઠ માન્યતા જુદી હોય શકે. ખરાબ અનુભવમાંથી જ સાચુ શીખવા મળે છે! બધા જ આ માને છે. આમ, કંઈ જ વિચાર ના આવવા છતા કંઈક લખવું એ પણ અનોખો અનુભવ જ છે! ☺

#sabdnisafar ❤

No comments:

Post a Comment