"આ યુવાનો કાનમાં ભુંગડી પહેરીને ક્યાં જતા હશે?" દાદાના મનમાં પ્રશ્નો અનેક હતા પણ જવાબ શોધવાની ઘેલછા નહોતી. તેનું એક કારણ ઉંમરની અસર તેમજ નવયુવાન વિચારો અને પોતાની સમજ વચ્ચેનું વધતુ જતુ અંતર હતુ. લગભગ છેલ્લા છ દાયકાથી એક જ ગામમાં વસી રહેલા આ વડિલએ સાઈકલથી લઈને સબ-વે સુધીની સફર જોઈ હતી. ટપાલથી ટ્રાન્ઝેકશનની આ સફરમાં તેમને મનમાં દરરોજ એક વખત થતુ.."હવે પહેલાં જેવી મજા નથી!" તે ચારેતરફ સમયની સાથે આવેલા બદલાવને જોઈ રહ્યા હતા. છેલ્લા છ દાયકામાં જે ના બદલ્યુ એવું હોય તો તેની સામે રહેલો દરિયો હતો! હા, મોજાના અવાજમાં સમયની સાથે ઘોંઘાટ ભળી જતા એ થોડો અલગ સંભળાતો હતો પરંતુ બાકી બધુ જ બદલાઈ ગયુ હતુ. માત્ર ૨૫-૩૦ લોકો જ્યાં ચાલવા આવતા હતા એવા આ કિનારે અત્યારે હજારો માણસો પોતાની સ્વસ્થતાને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વાહનોથી લઈને વ્યાજ, વસ્તુઓથી લઈને વિવાદ, પુસ્તકોથી લઈને પ્રેમ તો વળી સુખથી લઈને સ્વાસ્થ્ય બધાની વ્યાખ્યાઓ સમયની સાથે પરિવર્તન લઈ ચૂકી હતી. પોતાની યુવાનીમાં જે આંકડાઓના વિચારો ના આવ્યા હોય એ કિંમતોમાં અત્યારે વેંચાણ થતુ હતુ. જે આંગળીઓ પકડીને પોતાના પૌત્રને ચાલતા શીખવ્યો આજે એ આંગળીઓ તેમને મોબાઈલ શીખવે છે. અરીસાની સમક્ષ જેને ખોળાથી ખભ્ભા સુધી મોટો થતા જોયો એ આજે હાથમાં હાથ રાખીને સેલ્ફી લે છે. દાદાને જાણકારીનો શોખ હતો, ખબર બધી જ હોય પણ આ બધા સાધનો કોઈ કરામત જેવા લાગે! હવે કરામત એટલે જોઈને મજા આવે પણ શીખવામાં નહિં! તેઓ વિચારતા હતા કે તેમના કરેલા કામોની કોઈને જાણ નથી, ક્યાંય નોંધ નથી, છૂટાછવાયા ફોટોગ્રાફ છે પણ એ સમયને યાદ કરવા, તે પળને નહીં! દાદાને કોઈને કહેવાની ઈચ્છા પણ નથી. કારણકે, તેની પાસે આ જ તો એક સાચી સંપત્તિ છે -- યાદોની! આ યાદોને કોઈ ડિલીટ કે રીકવરીની જરૂર નથી. આ ગમે તે દિવસે આવા સાંજના ટહેલવાના સમયે આવી જાય છે. મિશ્રિત અનુભવો કરાવી નીકળી જાય છે ને આજના દિવસની યાદ એમાં ઉમેરી જાય છે. લોકોને લાગતી કરકસર પર દાદાને ગર્વ છે કેમકે એ આજની તેના કુટુંબની સમૃધ્ધિ છે. કરચલીવાળી આંગળીઓ જોઈને તેઓ સમયની કરામત પર સ્મિત કરી રહ્યા હતા. દાદાના મતે એક આંગળી પકડીને ચાલતાં બાળકને તેના દાદા પર ઈશ્વર કરતાં વધુ ભરોસો હોય છે. નવા યુગમાં પોતાનો જન્મ થતા ચહેરા પર થતો ગભરાહટ પણ તે દાદા જ દૂર કરી શકે. અચાનક તેમની નજર એ હાથ પર સ્થિર થઈ ગઈ! આજથી બે દાયકા પછી જો એ ઝડપી યુગમાં જ્યારે આ વધતી ઉંમરે, કરચલીવાળી આંગળીઓ ને ધ્રુજતા પગને રસ્તો પાર કરવા કોઈકનો સહારો જોઈશે ત્યારે?
પૌત્ર એની મમ્મીને જોઈને તેની પાસે ભાગતાં દાદાએ ચીસ પાડી.. "ઊભો રે.."
"શું થયુ..પપ્પા?"
"અરે..વહુ બેટા તમે અહિંયા?"
"આજે તમારે કલાક ઉપર થઈ તો થયુ આંટો મારી આવું.."
"હા..આ જરા વિચારોમાં.." દાદા સ્તબ્ધ થયા. ઘરે પહોંચીને પણ દાદા પોતાના હાથને નિરખી રહ્યા હતા..
#sabdnisafar ;-)
No comments:
Post a Comment