Monday, 2 April 2018

#ઝઘડો!


બે મિત્રો ઝઘડ્યા. ઝઘડાની ઘનિષ્ઠતા એટલી હદ સુધી વધી ગઈ કે બંને સામે આવવા પણ તૈયાર નથી. સમય જતા અંતર એટલું બધુ વધી જાય છે કે બંને વચ્ચે રહેલા સમાન મિત્રની તકલીફ વધી જાય છે. સંબંધોની અસ્થિરતા જોઈને બંને વચ્ચે રહેલા મિત્રને અનુભવાય છે કે બંને મિત્રોને આ મિત્રતામાં આવેલા અંતરથી દુઃખ નથી પણ ક્યાંક એકબીજાની સામે આવતા આ વધતુ જતુ અંતર ખટકે છે. બંને પોતાના
કામોમાં વ્યસ્ત છે, પોતાની ખાનગી જિંદગીમાં મસ્ત છે, બધુ જ છે પણ કશુંક બાકી રહી જ જાય છે! ઝઘડાનું કારણ ગૌણ બની ગયુ છે, વિચારોના વાદળોએ ક્યારનો તેના પર કબજો કરી લીધો છે. નવા મળતાં દરેક માણસમાં તે ભૂતકાળની વ્યક્તિને શોધે છે. માણેલી દરેક ક્ષણને વિતાવેલી એ પળો સાથે સરખાવે છે. મનોમન તેને ઉપરવટ થવાનો પ્રયત્ન કરે છે. લોખંડને પીગાળવા જેમ ગરમ કરવું પડે તેમ હવે
આ મિત્રો પોતાની લાગણીઓને બાળે છે, કોના માટે? આ મનને લોખંડી બનાવવા માટે! પણ એમ લોખંડી થવાય? આંતરીક ઊર્જાનો જ્વાળામુખી જોઈએ, સાથે તે અંતરને છૂમંતર કરવા માટે બીજા કોઈની સાથે નજીવી અંતર જોઈએ. પોતાના સ્વાર્થ ખાતર બીજાની લાગણીઓ સાથે છેતરપિંડી કરવાની આદત આપણી બહુ જૂની છે.

"શું હું તેની સાથે એટલો બધો સંકળાયેલો હતો?" નવા મિત્રને શોધી રહેલા એક મિત્રને મનોમન પ્રશ્ન થાય છે.

"હા, શબ્દોથી!" અંદરથી એક અવાજ આવે છે. મળેલા જવાબને તે હસી કાઢે છે. કેવું ભયાનક કહેવાય નહિ?

જો તમે રોજબરોજની વાતો તમારા ઘરના કે મિત્રો સાથે મૌખિક રીતે કરો તો સમયનો બગાડ અને એ જ વાતો કોઈ સાથે શબ્દોની આપ-લે કરીને દૂર બેસતા કરો તો પ્રેમ!

"શું ખરેખર એ વ્યક્તિ મારે માટે એટલી બધી અગત્યની હતી? ટાઈપ કરાયેલા શબ્દોનું એવુ તો કેવુ પ્રભુત્વ કે તમને હ્રદયથી વીંધી નાખે! મોબાઈલમાં સાથે રહેલી બધી જ પળો નાબૂદ કરી દિધી છે પણ છતા હજુ એ પળો તરવરે છે! બીજા કોઈના આગમનથી આ ખાલીપાને જીતી શકાય? મને તે માણસની જ જરૂર છે કે પછી કોઈપણ એવા વ્યક્તિ ચાલે કે જે મને સાંભળે અને મારી સાથે વાતો કરે! નજીક રહેલા વ્હાલાઓએ એવો તે કેવો અણગમો પેદા કર્યો છે કે હંમેશા માણસ અજાણ્યા પર સૌથી પ્રથમ ભરોસો મૂકીને પોતાની હૈયાવરાળ ઠાલવે છે? ના જોયેલા બે વ્યક્તિઓ એકબીજા વિશે બધુ જ જાણે છે ને જ્યારે મળે છે ત્યારે સંવાદ સુધ્ધા થતો નથી. મહિને એકવાર મોકલાયેલા એ પત્રોમાં શબ્દોની સાથે વ્યક્તિની લાગણીઓનો અહેસાસ અનોખો હતો. જ્યારે અઢળક મેસેજો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે." મનોમન ઉઠતાં અનેક સવાલોનો કોઈ જવાબ નહોતો.

"આ ટાઈપ કરેલા શબ્દોથી બનેલી સંબંધોની દુનિયાને જોઈએ તો લાગણીઓને જાણે લક્વા મારી ગયો હોય એવું લાગે! હ્રદય, મન ને વિચારો ખરા પણ ભાવનાશૂન્ય! સંબંધ એક સંપત્તિ છે તેને ખરીદી ના શકાય, તેને લાગણીસભર વ્યવહારથી વાવી શકાય! એક વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર બીજા સાથે લાગણીમય બને છે, બીજો વ્યક્તિ નિર્દોષ છે પણ સંબંધને અંતે તેને ભાવનાત્મક મૂર્ખ સાબિત કરી દેવામાં આવે છે. મૂર્ખતાના ખિતાબનો ડર લાગતાં તે પોતાના વ્હાલાઓને આ વાત શેર નથી કરતો..એકલતામાં રડીને ફરીથી એ ઘટનાક્રમને વાગોળ્યા કરે છે. તે કોઈ બીજા નિર્દોષ વ્યક્તિની શોધમાં છે ને ફરી એ ઝઘડો એકલતા લાવે છે."

આ વસ્તુ બનાવનારનો હેતુ પણ કંઈક અલગ હશે નહિ? માત્ર લાગણીઓથી રમત કરાવાનો હોય તો આપણે સમયસર તેના ઉપયોગ કરતાં શીખી જવું જોઈએ..!? અંદરથી આવેલા જવાબને સાંભળી તે બીજા કોઈ મિત્રને શોધ્યા વગર પુસ્તકને વાંચવા લાગ્યો.

No comments:

Post a Comment