Saturday, 6 May 2017

એના સાથેની આ સાંજ!

"એના વગરની સાંજ"નો અનુભવને વ્યક્ત તો ત્યારે કરી શક્યો જ્યારે માણી હતી મૈં..
એના સાથેની આ સાંજ! 
સાંજમાં કઈ ખાસ નહોતું..પણ ઘોર અંધારું, મખમલની સીટ પર એકબીજાની આંખો શોધી રહેલા અમે બંને હાથમાં હાથ પરોવીને એકબીજાને એકબીજાનામાં શોધી રહ્યા હતા. એના બીજા હાથનો મારા ગાલ પરનો સ્પર્શ ને કાનમાં "ખાઈ જઈશ તને!" આ કહેવું.. યુવાનીની લંપટતા દર્શાવતી હતી. સમયના ભાગમાં એકીટસે એકબીજાને નિહાળી રહેલા અમે નજીક આવ્યા! એને મારી આંખ પર ચુંબન કર્યું. પળવારમાં મારા હોઠ એના કપાળ ને અડક્યા! એની આંખમાં રહેલું એ આંસુ એનો મને પ્રથમવાર સોંપવાનો ડર વ્યક્ત કરી રહ્યો હતો. એ આંસુ લૂછી તેના મોઢાને મારી નજીક લઈ તેને ગાઢ ચુંબન કર્યું. ક્ષણોની સાથે થિયેટરની લાઈટ શરૂ થઈ ને પિકચર પૂર્ણ થયું! ભૂખની સાથે એકાંતને શોધી રહેલા અમે કાફેમાં ગયા. વેઈટરની દયા ને થોડી મારી ઓળખાણથી કાફેની અગાસી પર ટેબલ ગોઠવ્યું! હા, અગાસી પર..અગાસી કહેવા કરતા એકાંત આપી શકે એવો ઓરડો! ગેરકાયદેસર હતું પણ એના મને મળવાથી લઈને એની સાથેની સફર ક્યાં કાયદેસરની હતી! કાયદેસર હતી તો મારી અને એની ખુશી! અમારી મુસ્કાન, એકબીજા પરનો વિશ્વાસ ને અમૂલ્ય એવી આ સાંજ! કાયદેસર હતી..હંમેશની જેમ બે કોક એક પાનીની અને એક પાસ્તા આવ્યા. આકાશની સાથે અમારી વાતોની અંદાજનો રંગ પણ બદલાઈ રહ્યો હતો. મારી બાજુમાં બેસીને મારા ખભ્ભા પર માથુ ઢાળીને તેને મને કહ્યુ. "છોડી નહિં દે ને મને?" મારું હસવુ જોઈ તેને ગાલ પર એક થપ્પડ..ના,ના પ્રેમભર્યુ વ્હાલ કર્યુ. પીઝાનો એક કટકો પોતે ખાઈ મને ખવડાવીને મારા ગાલ પર ટૉમેટો કેચઅપ લગાડ્યો. ચીઝનો મારો તો વળી ચીલી ફ્લેક્સનું ઉડાડવું..ને અંતમાં એક ગાઢ આલિંગન! આંખ બંધ કરી સંબંધોના વાવાઝોડાનો સામનો કરવા એકબીજાનો સાથ આપવા અડીખમ ઊભા હોય એવું લાગતુ હતુ. ત્યાંથી બહાર નીકળીને અમે રસ્તા પર ચાલતા હતા ને અચાનક મૈં બૂમ પાડી. "જો તારી પાછળ કૂતરું!!" તરત જ તેને પોતાના હાથ મારી ગરદન ફરતે વીંટાળી બંને પગ ઊંચા કરી મારા સહારા પર ઊંચી થઈ ગઈ! તેની આંખનો ગભરાટ તો સામે મારા પરનો વિશ્વાસ કંઈક અલગ જ હતા. એક મિનિટ પછી મારી આ મસ્તીથી તેના મોઢા પર આવેલું સ્મિત અવિસ્મરણીય હતુ. આ મસ્તીની સજા તેને ઊંચકીને ચાલવાની હતી. થોડીવારમાં સજા પૂરી થઈ..ના, ના..અમારો છૂટા પડવાનો વારો આવ્યો. "કેમ આ સાંજ આટલી ઝડપથી પસાર થઈ ગઈ?" આ વાતો, એકબીજાને સ્પર્શવું, આંખોને નિહાળવી એ એક વિતી ગયેલો કાળ બની ગયો! ઘરે જઈને આ જ વાત થવાની હતી. થોડું ઓછું હસ્યાને અડક્યાની ફરિયાદો થવાની હતી. અરે! આલિંગનોના સ્ટિકરની ને એકબીજાને નહિં છોડવા જેવા કેટલાક વચનોની વર્ષા થવાની હતી. થોડીવાર ચેટ કરીને ફોનના સંવાદોમાં મૌનથી એકબીજાને ઓળખવાની ને માણવાની મજા કરવાની હતી! અંતમાં રાત્રે, મીઠી નિંદર લાવવા તકીયા સાથે પ્રેમ કરીને તેની ગેરહાજરીને પૂરવાની હતી! 

💝