Tuesday, 14 November 2017

વિચારોનો_વિપ્લવ!

વિચારોનો_વિપ્લવ! 

બે મિનિટ માટે એ માણસ આખો મને તરવર્યો! હા, મૈં એની સાથે માણેલા ક્ષણો, એનો સ્વભાવ, એની વાતો, મારા વિશેના એના અભિગમો ને બીજુ ઘણું બધુ! દિલથી કહુ તો છેલ્લી બે મિનિટથી તેના જ વિચારો ચકરાવે ચડવા માંડ્યા. બે વર્ષ પહેલા તેની સાથે વાત કરી હશે. હા, વોટ્સએપમાં તહેવારોની શુભેચ્છાઓ જરૂર એકબીજાને આપતા. એક વાત સાંભળેલી માણસની કિંમત તેની ગેરહાજરીમાં વધી જાય છે. આજે અનુભવ પણ કર્યો. અમારી યાદો જે રીતે મારી નજર સમક્ષ જતી હતી તે રીતે તો ફોટાઓની મને જરૂર ના લાગી. એક જરૂર છે ફોટાઓ ના હોવાથી મને જૂનું યાદ રાખવાની ટેવ પડી ગઈ. લાગણીઓના સમંદરમાં હું ડુબેલો હતો. આમ જુઓ તો લાગણી એક એવી સ્ત્રી છે કે પાણીપોચા હ્રદય સાથે એકમેકથી જોડાયેલી છે. વાતવાતમાં તે બધુ પોતાના પર લઈ લે છે પણ જેવી કોઈક બીજા માણસ સાથે બંધાઈ છે કે તે તેને વળગી રહે છે. અહ્ મ એક એવો પુરૂષ છે કે જે વિચારશીલ બુધ્ધિ સાથે જોડાયેલો છે. હા, બે વર્ષ પહેલા મારો ને એનો સંબંધ તૂટ્યો હતો. મારે એની સાથે વાત કરવી હતી પણ મને અહ્ મ નડતો હતો ને એને મૈં કહેલી "હવે આપણે વાત નહિં કરીએ" આ લાગણી! કોઈએ સાચુ જ કહ્યુ છે કે સ્રી જેટલું જતુ કોઈ કરી શકતુ નથી. "માં" થી મોટું કોઈ ઉદાહરણ વિશેષ રહેશે નહિં. બુધ્ધિએ તેને નજર સામે લાવવા મજબૂર કર્યો. ફોનની ગેલેરી ફંફોડી, ના મળી તે ના જ મળી! અંદરથી અચાનક અવાજ આવ્યો. "તમારા બંનેનો સંબંધ તસ્વીરોમાં કેદ કરવો શક્ય નથી." હા, એ એના ચહેરાની ખુશી, અમારી નાની-નાની વાતોનું આદાન-પ્રદાન ને રાત્રે સૂતી વખતે તેને યાદ કરીને આંખો બંધ કરવી. એ કોઈ તસ્વીર કેમ પોતાનામાં કેદ કરે! સવારે એના મેસેજની રાહ તો વળી, એકબીજા પ્રત્યેની ધ્યાન રાખવાની વૃત્તિ, મર્યાદાની સાથે વિસ્તૃત સંબંધ ને અવિરત મિત્રતા તો ખરી જ! સંબંધની હદ નક્કી કરી હતી હજુ પણ સંબંધ તોડ્યો નહોતો. સમજણનો વધારો કે યુવાની વિચારના વિકારો પણ બંને સમજી ગયા હતા કે હવે આગળ નહિં વધી શકાય! આ ઉપરાંત બીજા ઘણાં કારણો હતા પણ કોઈ ૬ બાય ૬ નું ચોકઠું આ બધુ કેમ સમાવી શકે? ફોટાઓ અત્યારની મારી યાદ જેવા હતા. એકલા હોવ અથવા તો સાફસફાઈ કરીએ ત્યારે બે-ત્રણ મિનિટનો આનંદ અપાવે! આથી વિશેષ કંઈ જ નહિં! આમ પણ પુરૂષને બે-ત્રણ મિનિટ યાદ કરીને ભૂલી જવાની ટેવ હોય છે. અત્યારે એમ થયુ કે ગમે તેટલા પૈસા કમાઈએ પણ છેલ્લે તો ભસ્મ એટલે ભસ્મ જ! "બેટા, આ તારી ચા." દસેક મિનિટ પછી મમ્મીએ આવીને મને ભાન કરાવ્યુ કે તુ છેલ્લી દસેક મિનિટથી છાપાના એક જ પેજ પર હતો ને તારી બે વર્ષ જૂની પ્રેમિકાને અવસાન નોંધમાં નીરખી રહ્યો હતો. હા, હું રડ્યો ન્હોતો કેમકે એ પાછી આવી શકે એમ નહોતી ને મારી ભૂલ કબૂલ કરવા મને મારું પુરૂષત્વ નડતું હતુ!
#sabdnisafar

એને ભુલાવવાનું ઝનૂન!

સિગારેટના એ ધુમાડામાં એક ઝનૂન હતું, એને ભુલાવવાનું ઝનૂન! દસ વર્ષના એ સબંધનો અંત દસ મિનિટના એ ઝઘડાએ લાવી દીધો. વહી ચૂકેલા શબ્દોના સરોવરમાં ડૂબવા સિવાય કોઈ છૂટકો નહોતો. એના પ્રત્યેક અંગોનો સ્પર્શ, આંખો પરના એ ચુંબન, વ્હાલસોયા આલિંગનથી લઈને મુશ્કેલીમાં મળેલો ઉષ્માભર્યો પ્રેમ લાલ આંખોને ઝંખતા હતા. પલક ના ઝપકતી આંખોમાંથી ન આંસુ દેખાતા હતા કે ન એ કોરી રહી શકતી હતી. રાત્રીના સન્નાટાની જેમ સુસ્ત પડી ગયેલો આ સબંધ સાંધવાનો ઉપાય જડતો ન હતો. તેને ભૂલવા ચાલુ કરેલી એ ગઝલ ને જામના ઘૂંટડા વધુ ને વધુ તેની યાદ અપાવતા હતા. પ્રેમ શબ્દથી નફરત થવા લાગી હતી. નશો એ આદત બનતી જતી હતી. તેનો સંપર્ક કરવાના સંસાધનોનો વિનાશ કરી નાખ્યો હતો. શું તેના વગર નહીં રહી શકાય? જીવવાનો મકસત માત્ર એ જ હતી? કોચવાઈ ગયેલા મનને વિશ્વાસ શબ્દ ઘાતકી લાગતો હતો. રાહ હતી તો બસ નશામાં ધૂત થઈ તેની યાદમાં આત્મવિલોપન કરવાની! ના, એમ નહીં છોડે આ નશો મને અહીંથી..એને મારી ઉંમરની દુઆઓ બહુ કરી હતી!
#sabdnisafar

સામે દેખાતું આ રાતા પીળાં રંગનું આકાશ ને એમાં રચાતી આકૃતિઓ!

સામે દેખાતું આ રાતા પીળાં રંગનું આકાશ ને એમાં રચાતી આકૃતિઓ!

આકૃતિઓ? હા ..એ ભગવાનના દેખાતાં ચહેરા તો ક્યારેક તેની સામે જ ટાંક્યા કરીએ તો બદલાતો લપાતો છુપાતો દેખાતો આપણા પ્રિયતમાનો ચહેરો! કેવું વિશિષ્ટ સર્જન હશે! કોઈને કહ્યા વગર આંખ સામે તરી આવે ને આપણા સિવાય સમજાઈ જ કોને?વર્ચુયલ દુનિયાના આ જમાનામાં રચાતું સર્વશ્રેષ્ઠ મુદ્રાઓનું મનમોહક અદામાં થતું પ્રદર્શન! હવે આ બધું આપણા વિચારોમાં હોય કે ઉપરવાળાના વિચારોમાં આપણે? પ્રશ્ન રોચક છે. મિત્રોને વાત કરતા જણાયું છે કે બધા સાથે આવું થઈ જાય છે. આમાં મુદ્દો એ છે કે એને દેખાયેલા હનુમાન ને મૈં જોયેલા શિવ અમને એકબીજાને દેખાણા નથી. બની શકે એના હનુમાન એ મારા શિવ હોય! હા...કોઈકના માટે સારું એ આપણી ઈચ્છા વિરુદ્ધ હોય શકે! તો કોઈકની નાપસંદ આપણી પસન્દગી શુંકામ ના હોય! સમજો તો આકાશ એક કટકામાં પૂરું બાકી અનંત! ઈચ્છાનું પણ આવું જ છે. ધરાઈ જાઓ તો આજે પુરી બાકી અગણિત! બંધ મુઠ્ઠીના એ અનંત આકાશમાં કેટકેટલું શીખવા મળે છે. મારી મનપસંદ અવસ્થા જ્યારે મુશ્કેલી હોય ત્યારે પણ ઉપર જોવાનું ને આનંદ થાય તો પણ આભારવિધી કરવા જોવાનું તો ઉપર જ! એ રંગો બદલતાં ને પાણીની જેમ થોડાંકમાં સમાય જતા અનંત લંબાઈના આકાશનો અનુભવ બધાને થયો હશે. વાક્યો પણ વિરોધાભાસ સર્જે છે એવુ લાગશે પણ દરેક મનુષ્યનો વાદળો પ્રત્યેનો અભિગમ પણ ક્યાં એક છે! ઉદાહરણમાં તો વિમાનો શ્રેષ્ઠ છે. ના કંઈ દેખાય ના કોઈ સર્જાય! તો પણ કહે વાદળોમાંથી અમે પસાર થયા. માણસોનો સમય નક્કી કરે છે કે તેઓ વાદળમાંથી પસાર થશે કે વાદળમાં સર્જન થશે એ તેમનામાંથી પસાર થશે. બંનેનો અનુભવ રોચક છે (હશે.)
#sabdnisafar ;-)

લગ્નોત્સવ!

#weddingseason
બસ--એમાં ખીલખીલાટ ચહેરાઓ, માથે સાફા, કપાળે કંકુ, ઢોલીની સેના ને મામા ફોઈના પોરિયા! સેલ્ફીની સીઝન ને એમાં બેબી કો બેઝ પસન્દ હૈં જેવા ગીતોની રમઝટ!
નારિયેળીના વૃક્ષોની રોશની, ચોક્કસ અંતરે રાખેલી ફુવારીઓ તો અંદર આવતાની વખતે જ રાખેલા નવયુગલના ફોટાઓ વાતાવરણને વિશિષ્ટ બનાવે છે. વેવાઈનો વ્યવહાર અને વેવાણનો વૈભવ, મામાનો મોરચો તો વળી ફોઈબાની હાજરીથી સુશોભિત ફુલેકુ...આ બધાની વચ્ચે ભાઈ ભાંડુઓની મસ્તીતો ખરી જ!
વેકેશનમાં જેમ રમી આવી પછી ઠંડુ શરબત મળે તેમ જાનમાં નાચ્યાં પછી વિરુદ્ધ પક્ષ તરફથી શરબત તૈયાર જ હોય! ચારેય ખૂણે સાત-સાત માટલીઓની ઢગલી ને ફરતે ગોળાકાર મંડપ. એમાં પણ ઉપર ફરતું ગુંબજ એની સાથે કૃત્રિમ ફૂલોની વેલ! ઉજાગરાથી થતી લાલ તેમજ ભીનાશભરી આંખોની સાથે કન્યાદાન કરવા બેઠેલો પિતા ને સમયસર પ્રસંગ પૂરો કરવા થતી મથામણો! આ બધાની વચ્ચે એકબીજા સાથે આંખોથી વાતો કરી રહેલા એ નવોદિત યુગલનું એકબીજામાં ખોવાવું તેમને દિવસભરનો થાક ઉતારી દે છે.
તો વળી, અવનવી વાનગીઓની સાથે શિયાળાના લચકાની તો વાત જ અલગ છે. પોતાના લગ્ન જલ્દીથી થશે એ લાલચ સાથે બેઠેલા અણવર ને પોતાના સૌભાગ્ય સાથે બેઠેલી લૂણગૌરી પ્રસંગને પારંપરિક સ્વરૂપમાં ઢાળે છે.
પ્રસંગની અંતિમ ઘડીઓમાં થનારી વિદાય એક પિતાની જવાબદારી પત્યાનું તો બીજાની શરૂ થયાનું સમજાવી જાય છે. ટોમ એન્ડ જેરીની જેમ શાળા બનેવી ને નણંદ ભોજાઈના રમુજી સમ્બન્ધ બન્ધાઈ છે.
આ બધાની સાથે સામસામે મોજડીની ચોરી, ફોટાઓની વણઝાર, જાનિયાઓને સાચવવા, મહારાજના ધતિંગ, સામાનની હેરફેર, ઘટતો સમય, માણસોની માંગો પોતપોતાની રીતે પ્રસંગને બગાડે કે સુધારે છે.
પૈસાની સાથે જો લોકોના અભિગમોની આગળ પરિવારજનોનો ઉત્સાહ હોય તો અસરકારક ઉલ્લાસનો ઉમેરો રેવાનો જ!
#sabdnisafar

અપસોસ?!

માત્ર ૨૪ જ વર્ષે સાહિત્ય જગતમાં ઝળહળતો સિતારો બની જનાર કથન ઝરીવાલાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમારી જીંદગીમાં કોઈ એવી ક્ષણ ખરી કે જેનાથી તમને અપસોસ થયો હોય?
"ના, મને અપસોસ થયો હોય એવો નિર્ણય મને યાદ નથી. હા, જરૂર મારા નિર્ણયથી ઘણાંને અપસોસ થયો હશે. મૈં ઘણાં એવા મારા મનની મરજીથી લિધેલા ખોટા નિર્ણયોના પરિણામો ભોગવ્યા છે. મારા મિત્રો સહિત આસપાસના લોકોએ પણ ભોગવ્યા છે. ઘણા રડ્યા છે તો ઘણાંને રડાવ્યા છે. આને મારી ભૂલ કહીશ! કેમકે, લોકોનો અને મારો સંબંધનો સરવાળો અલગ છે. મને પ્રેમ વગર પણ સંબંધ ધરાવામાં માનું છું. 

પછી, એ લાગણીથી હોય કે શારીરીક! હું લોકોને મારા વશમાં કરી શકવાની આદત ધરાવું છુ. આનાથી ગેરફાયદો છે..લોકો તમને સમજી શકતા નથી. તમારા વિશે અનહદ અફવાઓ ઊડે છે. જાત સોંપી દેવા તૈયાર થયેલા મિત્રો થોડા સમય પછી તમારી ઠેકડી ઊડાડવા કે તમને નીચા દેખાડવા સતત મથતા રહે છે. પળપળ સાથે રહેવાના ઈરાદાઓથી જેની સાથે તમે સંબંધ બાંધો છો તેઓ જ તમને નફરત કરવા લાગે છે. શું કામ? કેમકે, તેમને એમ લાગે છે કે તમે એનો ઉપભોગ કરેલો છે. જ્યારે મારું વાંચન કહે છે કે બંનેના સહયોગથી સંધાયેલો સંબંધ એ ઉપભોગ નથી. જ્યારે સંબંધમાં આદત અને જરૂરિયાત પેદા થાય છે ત્યારે આ બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. હકને સ્થાને હુકમ તેમજ અધિકારને બદલે આધિપત્ય સંબંધનો વિનાશ સર્જે છે. કેમકે, હક સમાન હોય જ્યારે હુકમ કોઈ એકનો હોય! અધિકાર બંનેને હોય જ્યારે આધિપત્ય કોઈ એકનું હોય! બાકી, મારાથી વિશેષ કે કોઈનાથી વિશેષ મને પ્રેમ કરવાવાળા લોકો મળી રહેવાના છે. જેના ઉદરમાંથી હું આવ્યો એનાથી વધુ પીડા કદાચ મૈં કોઈને આપી નહિં હોય! છતાં મારી દરેક ખુશીમાં એની ખુશી હોય છે. તો આટલો પ્રેમ તો કદાચ કોઈ મને કે હું કોઈને કરી શકુ નહિં! માટે, સંબંધનું જતન ને પરિવર્તન નિશ્ચિત છે. આથી, મૈં જીવનમાં અપસોસ તો નહિં પણ ભૂલો અઢળક કરી હશે."

લોકો કહે છે કે તમે અહંકારી છો. તમે એકવખત સંબંધ છોડ્યા પછી તેને ફરી બાંધવાનો પ્રયત્ન નથી કરતા?
"સંબંધ છોડવાનો ક્યારેય ના હોય..કે ના સંબંધ તૂટે..કેમકે, દિકરો માતાથી અળગો થાય તો પણ દિકરો દિકરો જ રહે છે. સંબંધનું મહત્વ ચોક્કસ ઘટે છે. હું તો આ જ વાતમાં માનું છુ. કેમકે, જીવનરૂપી વર્તુળ મોટું થાય ને તમારે કેન્દ્રમાં રહેવું હોય તો ત્રિજ્યાઓ ટૂંકી કરવી પડે. આ વાત આપણે વર્ષોથી મહાનુભાવોના મોઢે સાંભળતા આવીએ છીએ. માટે, હું કોઈને છોડતો નથી કે એને ત્યજી દેતો. હું ઝઘડાઓ કે જૂના સંબંધને પણ સરખું જ મહત્વ આપુ છુ. મૈં આગળ કહ્યુ એમ લોકોના સરવાળાઓ અલગ હોય શકે..મંતવ્યો અલગ હોય શકે. ઉપરાંત રક્ષક હોય ત્યાં ભક્ષક તો હોવાના જ! એટલે હું અહંકારવાળી વાતને માન્ય ગણાવતો નથી."
રિપોર્ટરની આંખમાં આંસુ જોઈને કેમેરામેનને 'કટ' એવો સાદ પડ્યો. ડાયરેક્ટરે તરત જ કથનને પાસે આવીને કાનમાં કહ્યુ.
"સૉરી સર..અમારા રિપોર્ટરને કંઈક થઈ ગયુ છે. હું હમણાં જ તેની ખબર લઉં છુ."
"રહેવા દો..સાહેબ! એ એની જૂની આદત છે. આજે ૫ વર્ષે મૈં આંસુઓને વ્યકત કર્યા છે, ને એને એના સવાલોને! અહિં ખબર લેવાથી કંઈ નહિં થાય! તમારે ભૂતકાળ ભૂલાવવો પડશે."
કથન ત્યાંથી સરકી પડ્યો. કદાચ, આજે રિપોર્ટર થઈને પલકે તેને ના મળેલા જવાબો પૂછી નાખ્યા. અહિં પલકને કથનની માનસિકતા તો કથનને પલકની ધારણાં સમજાઈ. છોડી દિધેલા સંબંધોની ત્રિજ્યાઓ તો ટૂંકી નહિં થાય પણ બંનેના વિચારોના પરિઘ ચોક્કસ બદલાશે.સામાન્ય રીતે આપણે આવી જ કંઈક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ખરું ને? 
ભૂલીને આ સંબંધો નવી એક શરૂઆત કરીએ..
કોઈનું થાય કે નહિં ચાલ જાતનું તો ભલું કરીએ!
#sabdnisafar

એકલતા!

એકલતા!

શાંત થઈ ગયેલું મન કોને ઝંખે છે ખબર નહિં! આ અકળાવનારી એકલતા જાણે અડીખમ છે, સંબંધો જેવા વધે છે કે સમજણ આગળ આવીને સંબંધને તોડી દે છે. જોકે, સંબંધ તૂટતા નથી! નિકટતા ઘટે છે. સ્વાર્થી આ એકલતા એવી તે ઈર્ષ્યાળુ છે કે કો'કનો સંબંધ પણ સહન નથી કરી શકતી. કદાચ, એટલે જ લોકો કહેતા હશે કે પહેલા એમનો સંબંધ બહુ જ સારો હતો પછી કોઈકે પેલાંના કાનમાં ઝેર ભેળવ્યુ. એકલતાને પણ કેટલી અદેખાઈ! પોતે તો કોઈની સાથે ના જોડાઈ શકે પણ બીજા જોડાઈ એને જોઈ પણ ના શકે. બહુ ડાહપણ મારતી આ એકલતાની એક ખામી છે, જેવું તો નિર્ણય કરવાનો વારો આવે કે તરત જ તે કોઈનો સાથે શોધે છે. આમ જુઓ તો તે ડરપોક જ કહેવાય! કારણકે, જો નિર્ણય ખોટો પડે તો તે સામેવાળા પર ઢોળી દે છે. જો એકવાર પણ સાચો પડે તો? વાહવાહી જોઈએ સાહેબ! સુખનું શેરીંગ ના થાય તો એનાથી વધુ દુઃખ બીજું એકેય નથી. એકલતા બરાબર આ જાણે છે. માટે, તે એવા કામચલાઉ સંબંધોને પાળે છે. વિવિધ કામોને આધારે સંબંધોનું નામકરણ પણ થાય છે. સંબંધને સમય મળતા તે વિકસે છે ને પછી? હેહે..નિકટતા ઘટે છે. એકલતા ફરી નવા સંચાલનો લઈને નવા સમીકરણો સાથે સંબંધો સાંધે છે. એકબીજા માટે મરી પડતા લોકો કે મિત્રોમાં રહેલી એકલતા જ્યાં સુધી અસરકારક ભાગ નથી ભજવતી ત્યાં સુધી બધુ બરાબર રહે છે. પછી? ફરી એ જ ઈર્ષ્યાળુ વાતો! આ બધાની વચ્ચે અમુક સંબંધો જીવનભર સચવાય જતા હોય છે. જતુ કરવાની ભાવના સાથે જળવાઈ રહેતા સંબંધો! તેમાં પણ બંને પક્ષે એકલતા તો એ જ અનુભવ કરાવે છે કે મૈં વધુ જતુ કર્યુ છે! જો હું ના હોત તો સંબંધ ના ટકત! શબ્દો થકી આ વ્યક્ત નથી થતુ ને સંબંધ ટકી જાય છે. પોતપોતાની પેઢીને એ સમજાવવામાં આવે છે કે આપણે જતુ કર્યુ ને સંબંધ ટક્યો. આવનારી પેઢીમાં આવેલી એ એકલતાનો અહંકાર એને એ સંબંધથી અંતર રાખવા મજબૂર કરે છે. લોકો માની લે છે કે 'બાપા જેવું દિકરો ના સાચવી શકે!' પણ અહિં વાત તો એ ઘર કરી ગયેલી એકલતાની જ છે. પહેલા સંબંધો સાચા હતા? લોકો એકબીજાના હતા? જતુ વધુ કરતા? સમ્માન આપતા? ના.. એકલતાનો અભાવ માત્ર તે બધાનું કારણ હતુ. આજે સંબંધો ખોટા, સ્વભાવ ચિડીયો, ચહેરો નિસ્તેજ અને ઉચાટીયો જીવ! એકમાત્ર કારણ એકલતાનો અતિરેક! ઓશોને એકલતા વ્હાલી હતી પરંતુ તે એકલતાથી અસ્તિત્વને ઓળખતા, એકલતાના અવાજને સાંભળતા! આજે લોકો એકલતાથી કંટાળીને આપઘાત તરફ વળે છે ત્યારે આ એકલતાનો અતિરેક થાય એ પહેલા અટકી જવું!
#sabdnisafar

પ્રથમ વરસાદ..

#FirstRain
જાવેદ અને જલ્પાબેન વચ્ચે મેઘ ગર્જના સિવાય બીજા કોઈનો અવાજ નહોતો. ફળિયામાં બેઠેલા જલ્પાબેન પોતાના જુનૈદની તો શેરીમાં રહેલા બાળકો પહેલા વરસાદની રાહ જોતા હતા. પવન ફર્યો હતો..છાપાઓમાં વરસાદની આગાહી થઈ ગઈ હતી..આમ તો મૌસમનો વરસાદ વહેલો હતો , ગરમીથી ત્રસ્ત માણસો વરસાદને વળગી ઠન્ડકના અહેસાસને ઝન્ખતા હતા. કાળા ડિબાંગ આભનો રંગ સૂચવતું હતું કે ટકરાવ નક્કી છે! બાળકોના શોરબકોર વચ્ચે જાવેદ લગભગ નિસ્તેજ બેઠો હતો. એકાદ વર્ષ પછી એ મૌસમ ફરી સામે આવીને ઉભી હતી, એ કપરી બનતી રાતો ને વીજળીના ઝબકારા ફરી વહેતા થયા હતા..તેના મનમાં નહોતો વહાણને તરાવવાનો શોખ કે નહોતું મન છબછબિયાં કરવાનું! વરસાદની રાહમાં ઉછળતા કૂદતાં ભુલકાઓને તે એકીટસે જોયા કરતો હતો. આંખમાંનું આંસુ પણ પડતું નહોતું, ક્યાંક આવીને અટકી જતું હતું! મૌનને શબ્દો ના હોય! સમજણ તો હોય!
"માં, ચાલ અંદર રસોઈ કરીએ!"
આ સમયે ઘટનાને ભૂલીને આગળ વધવા માટે પ્રવૃત્તિ બદલવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો! જલ્પાબેન સમજી ગયા. બંને માં-દીકરો અંદર ગયા..વીજળીનો કડાકો થયો ને લાઈટ બંધ! જાવેદને છાતી સરસો ચાંપીને પોતાની આંખમાંનું આસું એ આંખના પ્રવાહી સાથે જ ભેળવી દીધું! આ શબ્દોવિહીન ચર્ચામાં આવી રહેલો અવાજ માત્ર એક જ સૂચન કરતો હતો, અનરાધાર વરસાદ! આ પવન સામે ટકી રહેતા ને પોતાની મજબૂતીની ઓળખ આપતા વૃક્ષો, અસહ્ય તાપ વેઠીને વરસાદ માટે કરગરતી એ જમીન, વેકેશનમાં મામાના ઘરનો એ પેહલો વરસાદ, દેડકાના નીકળેલા દિવસો, મોરનું એ નાચવું જાણે કુદરત આજે સોળે કળાએ ખીલી છે એવું લાગતું હતું. વરસાદનો વેગ અને વીજળીના અવાજોની વચ્ચે ભજીયાની મહેફિલ જામી હતી! સામે આ ઘરમાં શોકનું વાતાવરણ હતું..દરેક વીજળીના કડાકે હૃદય કંપી ઉઠતું હતું! જલ્પાને દરેક વીજળીના અવાજ પેલા રચાતી સફેદ આકૃતિમાં જુનૈદ દેખાતો હતો! વર્ષ પહેલા એ વીજળી પડવાથી થયેલી જુનૈદની મોત હજુ તો ભૂલાય જ હતી કે વરસાદે વિરહને તાજો કરાવી દીધો! હિંદુ - મુસ્લિમ એ વિવાહ સમાજથી પર હતા! લોકોએ ખૂબ કહ્યું કે કુંડળી કહે છે કે તારો પતિ નહીં જીવે..પણ પ્રેમના વિશ્વાસ ને કોઈ પહોંચે? નીકળી પડ્યા હતા એ યુગલ કુદરતને હરાવવા, સમાજ સામે ઝઝૂમવા અને સમય સાથે દોડવા! નીડર બનીને જીવી રહેલા આ પ્રેમયુગલની જોડીને ૭ વર્ષ થવા આવ્યા હતા..તેમનું પ્રેમચિન્હ પણ હતું! કંઈક આવી જ મૌસમને માણવા નીકળી પડેલ આ પરિવારને ક્યાં ખબર હતી કે એક વરસાદ ત્રણ માંથી બે કરશે! જલ્પાએ ક્યારેય પોતાના નિર્ણયને દોષ નહોતો દીધો. આ તો આયુષ્યનો ખેલ છે એમ તે માનતી હતી! ફળિયાની ખાટ પર બેઠેલા બન્નેની આંખ ભીની હતી! અચાનક જાવેદ ફળિયામાં વચ્ચે આવીને પલળવા લાગ્યો! ઉપર જોઈ રહેલો એ બાળકના આંસુ ભળી ગયા વરસાદની સાથે! વરસાદની ગતિ બમણી થઈ! બાળકના આંસુથી કુદરત પણ રોવા લાગી હોય એવો અહેસાસ જલ્પાને થયો! વરસાદ ક્યાં નાતજાતને જોઈને પડે છે! એ તો બસ પડે છે! પડી રહેલી એ વીજળીને ક્યાં ખબર છે કે કોણ મુસ્લિમ કોણ હિંદુ ! જુનૈદને વરસાદ ખૂબ જ ગમતો! ભારેખમ હૈયા સાથે એ ઉભી થઈ..જાવેદને બહાર જવા કહ્યું! પોતે પણ આ અનંત આકાશની વચ્ચે જુનૈદની યાદમાં એક સાહજિક હાસ્ય લઈને નાહવા લાગી! આસપાસ સૌને ખુશી થઈ..પણ એની આંખમાંના આંસુઓ જોવાવાળો જુનૈદ શાયદ ઉપરથી એને ચુમતો હશે! હાસ્ય ને વિરહ બંને માત્ર એક જ ઋતુમાં શક્ય છે, વર્ષાઋતુ! સામે દેખાતું હાસ્ય ને પલળતો એ વિરહ!
#sabdnisafar 

મિત્રતાની સફર : ફોનથી ફોટા સુધી!

મિત્રતાની સફર : ફોનથી ફોટા સુધી!

આંખ બંધ કરે કે તેને આર્ટ ઑફ લિવિંગના પેલા સાહેબનો અવાજ સંભળાય. "તમારી લાગણીને વહેવા દો!" બહારનો અવાજ તેના અંદરના ખાલીપાને અડચણરૂપ નહોતો. કેવી રોમાંચક સફર હતી તે બંનેની! પાંચ વર્ષો થયા એ વાતોને, હજુ ય તેમની યાદો અકબંધ હતી. તેને મિહિરનો ચહેરો તરવરી ઊઠે. સવારની ભેગી ચા થી લઈને રાત્રિના નાસ્તા સુધીની એ બે વર્ષની સફર તેની આંખોમાં અકબંધ હતી. શાળાના એ છેલ્લા બે વર્ષો કે જેનાથી તમારું ભવિષ્ય નક્કી થાય, મિત્રો એકબીજાથી અળગા થાય, છેલ્લી શાળાની યાદો..કૉલેજમાં જવાનો ઉત્સાહ અને પરિક્ષાની તૈયારીમાં હૉસ્ટેલમાં સહભાગી મિત્રો! બહુ ઓછા આ ભૂલી શકે! મિહિર -- એક હોંશિયાર, ચપળ અને આંતરમુખી હતો.

દિવ્યેશ સાથેની તેની મિત્રતા કંઈક વિશેષ હતી. તેના પપ્પાના ક્રૂર સ્વભાવથી લઈને પોતાની પસંદ-નાપસંદ બધુ તેને જણાવતો. બીજા કોઈને પણ કહેતા પહેલા એ હજાર વખત વિચારતો પણ દિવ્યેશ સાથેનો મિત્રતાનો સેતુ એ પરીક્ષા કે માર્કસની લાલચથી નહિં પણ લાગણીથી બંધાયો હતો. લાગણીની મજબૂતાઈ સામે કોઈ ટક્યુ છે ખરા! મુશ્કેલીઓ આવી તેમને સમય સાથે પરંતુ બંને સાથે હતા ને પાર કરી ગયા. ઉચ્ચતર અભ્યાસના પ્રથમ વર્ષમાં દિવ્યેશના પરિવારમાં આવેલી નાણાકીય અડચણોમાં મિહિર અડીખમ ઊભો રહેલો! સંબંધના આ સમંદરમાં સમયની સાથે ઓટ આવી. ઓટ? ના, ખરેખર બંને ઉચ્ચતર અભ્યાસમાં એટલા ખોવાય ગયા કે વખતે વાત થતી. લાંબા સમયથી સાથે ના રહેલા આજના યુવાનો પાસે જૂજ વાતો જ હોય છે. આજે ઘરેઘરે મિહિરની જેમ આંતરમુખી છે! અમુક યુવાવર્ગ એકબીજાને સમસ્યા કહે છે તો સ્ટેટસ વચ્ચે તેમને આવીને મૂર્ખમાં ખપાવી દે છે. માટે, અમુક સ્વભાવે મિહિર છે તો અમુક સમાજે કરેલા છે. અભ્યાસના છેલ્લા વર્ષે બંને મળ્યા. સમય ફર્યો હતો સ્વભાવ નહિં! મિહિરે બધી જ વાતો કરી..ઓળખાણ નહોતી તેની કરાવી, પ્રોજેક્ટથી લઈને છોકરીઓના પ્રપોઝલ સુધીની બધી જ વાત! હંમેશની જેમ દિવ્યેશે સાંભળી. બે વર્ષે થયેલી આ બેઠક અલગ હતી. સમસ્યાઓથી લઈને પરિસ્થિતિ બધુ જ જૂદું હતુ. ના, મિહિર અને દિવ્યેશ એમ જ હતા! બંનેના શારિરિક બાંધામાં ફેર આવ્યો હતો. ફેસબુકની એ બે વર્ષ પછીની પોસ્ટ તેમની મિત્રતાની મિસાલ બની. મિત્રો જ્યારે છૂટા પડે ત્યારે બીજી વખત ક્યારે મળીશું એ નક્કી કરીને જ પડે છે! આ બંનેને પણ એ જ હતુ. મિત્રતાના સમંદરમાં ભરતીની આંશિક અસર આવી. અહિં, એ વાત ચોક્કસ કે બે વર્ષ પછીના એ મિલને નક્કી એ થયુ કે અઠવાડિયે એક વખત ફોન કરવો. હા, સમયાંતરે સમંદરના મોજાની જેમ સંબંધ સ્થિરમાંથી વહેતો થયો.

"દિવલા, મારી નોકરી પાકી થઈ ગઈ..આપણા તરફથી પાર્ટી પાક્કી..ભાઈ આવે છે હવે ફ્લાઈટમાં તને મળવા. વિચારું છું તને મળીને જ ઘરે જતો રહીશ..ઘરે ફોન ના કરતો મારે પપ્પા-મમ્મીને સરપ્રાઈઝ આપવી છે." મિત્રને મળેલી નોકરીની ખુશી અને એ મિલનનો બંનેને ઉત્સાહ હતો.

રૂમમાં કોઈકનો ફોન વાગ્યો. માઈકમાં બોલ્યા..હવે ઊંડો શ્વાસ લો અને છોડી દો..મિહિરભાઈની આત્માને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના..શાંતિઃ..શાંતિઃ..શાંતિઃ.. આંખ ખોલી કે તેને મિહિરનો ફોટો દેખાણો..ફ્લાઈટ ક્રેશની એ ઘટનાએ કુટુંબમાં અરેરાટી બોલાવી દિધી હતી. સરકારના એ પૈસા એ લાલચ હતી બાકી અહિં લાગણીથી જોડાયેલો એ સંબંધનું મૂલ્ય થોડી આંકી શકાય!

"અંકલ..તમે મારા મિહિર ચાચૂને જોયા?" મિહિરના મોટાભાઈના છ વર્ષના દિકરાના પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો! દિવ્યેશએ મોબાઈલમાં નજર નાખીને ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. મોબાઈલનું એ વૉલપેપર પણ બંને મિત્રોનું જ હતુ! છલકાઈ ગયેલી આંખો એ બે વર્ષ પહેલા મળેલા મિત્રને શોધી રહી હતી.
#sabdnisafar 

એકલતા એક પસંદગી કે પડકાર?

એકલતા એક પસંદગી કે પડકાર?
'ચર્ચાને કોઈ સ્થાન નથી.' બાળપણથી આ વાક્યને સાંભળતો આવ્યો છુ. સમયની સંગાથે જ્યારે ઉંમર અને અનુભવની સાથે લોકોની એકલતામાં થતો વધારો જોવ છું ત્યારે એમ થાય છે કે ભલે ચર્ચાને સ્થાન નથી પણ ચર્ચા વગરનું જીવન પણ ચર્ચાસ્પદ છે. એકલતા, આજના મારી જેવડાં યુવાનોનો ઉભરતો પ્રશ્ન! વાનરો પછીની ઘણાં વર્ષોની ઉત્ક્રાંતિએ આ સમાજની વચ્ચે આજે અત્યંત સક્રિય, સબંધને સસ્તો સમજતી ને સંપત્તિમાં જ સમજણ કેળવતી અમારી આ યુવા પેઢી આપી. જે માત્ર અને માત્ર માણસોને ઝંખે છે. એક એવા સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ કે જેમાં સંતોષનો અભાવ છે ને ગુસ્સાવાળો સ્વભાવ છે. આજે જ સાંઈરામ દવેના લાઈવ કાર્યક્રમમાં સાંભળ્યુ કે એક એવો સમય આવશે કે જ્યારે ઈવેન્ટ મેનેજમેન્ટવાળાને ત્યાંથી ચાર માસી ને છ મામાનો મેળ કરવો પડશે. સુંદરી અને સંપત્તિની સંવેદના એટલી ઘર કરી ગઈ છે કે હવે સ્વભાવમાં સળવળાટ નક્કી છે. સાહેબ, અમારી ઈચ્છાઓને પૂરી કરી શકાય એમ જ નથી. કેમકે, બધાને કંઈક થવું છે. 'શું?' આ પ્રશ્નનો જવાબ જ નથી. એક એવા ઓરડાને શોધવા જઈએ છીએ જેની દિવાલ ના હોય. અમારે મહેનત નથી કરવી એમનેમ પૈસા જોઈએ છે. અમે માત્ર ૧૦ વર્ષના અનુભવ ધરાવેલ વ્યક્તિની સફળતા જ જોઈએ છીએ. તેઓની એ મેળવવા પાછળની એમની ધગસ કે એમની ઈચછાઓનું બલિદાન ધ્યાનમાં લેતા નથી. સંદિપ મહેશ્વરીના એક સેમિનારમાં બહુ જ સાચુ કહેલું કે 'જો તમારે વ્યસન કે કોઈ વસ્તુની આદતો કે પછી પોતાની ગાડી પાટે ચડાવવા માટે કોઈ નુસખાની નહિં એક "વજહ(ધ્યેય)"ની જરૂર છે. અહિં ગુગલના બતાવેલા રસ્તાઓ નહિં જીવનમાં કોઈકના માટે કાં તો પોતાના માટે કંઈક કરવાનું ધ્યેય કેળવો. આથી વિશેષ જો એકલતાને વધુ ખંખેરીએ તો ખબર પડે કે આજે લોકોને લોકો સાથે ફાવતું નથી. યુવાનીના સંદર્ભમાં કહુ તો ગૃપીઝમ હોય છે. એક માધ્યમ સેટ કરવામાં આવે છે મિત્રતામાં! હંમેશા આ સમયે બધાને કૃષ્ણ અને સુદામા યાદ આવે ખરું ને? હકીકતમાં આ કદાચ હું કે આપના બાળકો કરી શકતા નથી. આ મૈં એક તારણ પરથી લિધેલું છે. બહુ જ સહજ છે જો હું કોઈકને આવકની દ્રષ્ટિએ માપીને મિત્રતા કેળવું તો મારા માધ્યમથી ઊંચા સાથે મિત્રતા કેળવવામાં હું અચકાઉં. આથી ઊલટું મારા માધ્યમથી નીચાની મિત્રતા સહન ના થાય! તો વધ્યા બહુ જ જૂજ! બસ, આ માધ્યમોને જો મારીને માણસાઈ કેળવી માન આપતા થઈ જશું તે'દિ સંતોષની સાથે સફળતા મળશે. એક બહુ જ ચોખ્ખી વાત છે કે મને તો જ બધા સાથે ફાવતું ના હોય જો હું લોકો સાથે રહેલો ના હોય! અમારી આ પેઢી લોકો જોઈને ફ્રિડમની વાતો કરે છે ને રૂમમાં એકલા બેઠા-બેઠા પોતાને સાંભળનારો ઝંખે છે. અમને એવું જોઈએ છે કે જેથી ઘરમાં બેઠા-બેઠા અરીજીત સિંઘ કે મોબાઈલમાં જ જગજીતજી થઈ જવાય. સંઘર્ષોને લગભગ ૨૧ વર્ષ સુધી આજના યુવાનોએ જોયા નથી હોતા. આ ઉંમર બાદ યુવાનો સંધર્ષ કરી પણ નથી શકતા એનું એક માત્ર કારણ ભોગવેલી સુવિધાઓ જ છે. પૈસાની કિંમત પપ્પાથી છૂટ્ટા પડ્યા પછી સમજાય છે. જવાબદારીઓનું ભાન આપણે ત્યાં મુશ્કેલી આવે ત્યારે સમજાય છે. સંબંધોમાં સમજણ મોડી આવવા લાગી છે એટ્લે જ સુખોમાં ઊણપ આવવા લાગી છે. કેમકે જ્યારે સમજ આવે છે ને ત્યારે સંબંધ એવા સ્થાને પહોંચી ગયો હોય છે કે જ્યાંથી તેનું સમાધાન શક્ય નથી. ઓશોના મત મુજબ એકલતા માણસને ગમવી જ જોઈએ પણ જાતને પ્રેમ કરવા માટે, વસ્તુને નહિં! આપણને વસ્તુઓ જોઈએ છીએ. કદાચ, અમારી પેઢી પણ ત્યારે જ લોકોને ઝંખે છે જ્યારે નેટ બંધ હોય કે વસ્તુની ઓટ હોય. સમય જતા સમજવુ તો રહ્યુ જ કે આ એકલતાની પસંદગી એક પડકાર તો નહિં બની રહે ને?
#sabdnisafar :-)

'ઉપાધિ'

છે કોઈ માણસ દુઃખ વગરનો આ શહેરમાં?
અરે! જો હો તો નાખી દેશે બધા એને વહેમમાં!
'ઉપાધિ'
આજના સમય પ્રમાણે હ્રદયના ધબકારાની સાથે જો કોઈ ચાલતું હોય તો એ છે 'ઉપાધિ'. મારે, તમારે..અરે ભાઈ સૌ કોઈને છે! બાળકોને મમ્મી પોતાની પાસે નથી રહેતી એની ઉપાધિ તો મમ્મીને બાળકો માટે સમય નથી દેવાતો એની ઉપાધિ. ભણતાં યુવાનોને ભણ્યા વગર પૈસા નથી મળતા એની તો તેમના મમ્મી-પપ્પાને બાળકોના ભણતર માટે પૈસા કમાવવાની, વૃધ્ધોને વહુ સાથેના વિચારોના મતભેદ દૂર કરવાની તો વહુને સસરાને ગમે તેવી વાનગીઓ બનાવવાની..લ્યો છે ને ઉપાધિ? હકીકતમાં જો તમારા જીવનમાં અઢળક આવી પરિસ્થિતિઓ આવતી હોય તો તે ઉપાધિ કે મુશ્કેલી નથી. આ બધુ અચાનક મનોમન ગેરસમજણથી ઊભી કરેલી પરિસ્થિતિ છે. બધુ અટકી શકે જો એક સેકન્ડનો બ્રેક લાગે તો! થોડુંક વિચારો તો ખબર પડે કે ક્યાંક આપણે ઉતાવળ કરી રહ્યા છીએ. અહિં આળસને આગળ રાખવાનું વલણ નહિં પણ પરિસ્થિતિના આગામી અને પુરોગામી સંદર્ભોને ધ્યાનમાં રાખીને વર્તવાની વાત છે. જો તમે ખરેખર બદલાવ ઈચ્છતા હો તો પ્રયત્ન કરજો. બહુ અઘરું નથી. મારા ભી પ્રયાસો ચાલું જ છે. પ્રશ્ન હશે જ કે કરવાનું શું? એક સેકન્ડનો બ્રેક એટલે? એટલે એમ કે બોલતાં પેલાં તમારા પોતાના વલણને જો ઊંધુ કરીએ તો ખરેખર તમે એ કામ કરી શકો એમ છો? એનાથી સામેવાળો માણસ ખુશ થાય એમ છે? મોટાભાગના મતભેદો દૂર થઈ જશે. સામેવાળાને સમજાવવાનો મોકો આ એક સેકન્ડ તમને આપશે. આપણી તકલીફ જનરેશન ગેપ નથી. એ તો હતો છે ને રહેશે! મારા મમ્મી એના મમ્મીનું નથી માનતા અને હું એનું નથી માનતો! સ્વાભાવિક છે. જે જોઉં છું એમ વર્તું છુ. તકલીફ આ છે.. બધાને પોતાની પરિસ્થિતિ લાદવાની મજા લેવી છે. ચૂલામાં કામ કરતા એ મમ્મી-પપ્પા "અમે અશોક સ્ટવમાં કામ કરતા.." એ કહે તેટલું જ સારું લાગે. ઘરના સંતાનોને પ્રેરણાં મળે પણ જો તે એમ કહે તમે પણ તે જ કરો! તો યુવાનો તરફનો અસ્વીકાર હિતાવહ છે. કેમકે, એને પ્રેરણા તો સંદિપ મહેષ્વરીના સેમિનાર પણ આપી શકે છે. આ તો એ શીખ્યો છે કે મા-બાપને સર્વોચ્ચ રાખી તેમનામાંથી પ્રેરણા લેવી. આપણા સંસ્કારોમાં આ છે. માટે, પરિસ્થિતિને લાદવા નહિં પણ તે એક પ્રોત્સાહન મળી રહે એ જરૂરી છે. આનાથી વિપરીત યુવાનોનો ગમતો વિષય 'પરિવર્તન' અને તે પરિવર્તનની સામે તેના સ્વીકારનું પ્રમાણ જરા હલી ગયુ હોય એમ લાગે છે. તેને સરખું કરવું એ આજની યુવા પેઢીની ફરજ છે. કારણકે, ગ્રેજ્યુએટ કે અભણ બાપના દિકરા પી.એચ.ડી. થઈને પરિવર્તનની વાત કરે તે પિતા તેને પચાવી શકે. માત્ર એક ડગલું આગળ, પી.એચ.ડી. થયેલા એ દિકરો પોતે પિતા બનશે ત્યારે પરિવર્તનને પચાવી શકશે? શું ત્યારે બંને ભણેલા વચ્ચે સ્ટેટસ, અહંકાર, હોદ્દો નહિં નડે? ખરેખર અનુભવ વગર આનો જવાબ શક્ય નથી. આ પ્રશ્નો એટલે થયા કેમકે આજના પિતા પોતાના દિકરાના સુખ માટે પરિવર્તન પચાવે છે. જ્યારે અમને પોતે સુખી રહેવું એ જ શીખવાડવામાં આવ્યુ છે. જતુ કરવાનો ફેક્ટર અમારામાં ક્યાંક અધૂરો રહી ગયો છે. સમય તો અફર છે. કદાચ બને કે, અમારે અત્યારે જતુ ના કરવું પડે પણ એકવીસમી સદીમાં આધેડ વયે વધારે જતુ કરવું પડે! અમે આગળ છીએ માત્ર અમુક મુદ્દાઓથી જેમકે ભૂતકાળ અને પંચાત અમારા જેવડા જીવડામાં નથી. ક્યાંક આ ટેક્નોલોજી, સતત નવું અને અડવિતરું કરવાની ઈચ્છા ને ક્યારેક ઉંમર પ્રમાણેની અભિલાષાને આધીન અમે એ કરતા નથી. મિત્રતા ચોક્કસ વધી છે પણ "કોઈ નથી ત્યારે હું છું" આ કહેનારા જીવનસાથીની ખોટ થતી હોય એમ લાગે છે. સંબંધોથી ને સંવાદોથી લોકો ડરતા થયા છે. વિવાદાસ્પદ જીવનથી કંટાળ્યા જરૂર છે પણ વિભક્ત કુટુંબ એ જ એનો ઉપાય નથી એ સમજની ઉણપ અહિં વર્તાય છે. સુખ - દુઃખ વિરોધી નહિં અવસ્થા છે એ આવવાની છે ને તેને સ્વીકાર્યા સિવાય એનો ઉપાય નથી. તકલીફ એ છે કે નાના સુખને ભોગવતા આવડતુ નથી ને બધે દુઃખ દેખાય છે. તો વળી, મોટા સુખને શોધવામાં નાના-નાના દુઃખ પાછળ રોઈએ છીએ! 
#sabdnisafar 

નોટબંધી!

એક્વાગાર્ડની વેસ્ટેજ લાઈનમાંથી પડતા પાણી સિવાય કોઈ બોલતું ના હતું. સંવાદોનું અસ્તિત્વ કદાચ શમી ચૂક્યું હતું. કોણ વાતની શરૂઆત કરે ને કઈ વાત ક્યાં પહોંચે ને કદાચ આ વાત ઝઘડાનું કારણ બને તો! આ ડરથી કોઈ ચુ કે ચા કરવા તૈયાર ના હતા. બેઠકના ખૂણામાં બેઠેલી અગિયાર વર્ષની દીકરીની આંખો ભરાયેલી હતી. આંસુઓને બહાર આવવું હતું પણ જો 'પોતે ઢીલી પડશે તો પપ્પા પણ પીગળી જશે' આ વિચારમાત્ર તેને મજબૂત બનાવતો હતો. બારી તરફ નજર રાખીને પગ ઉપર પગ ચડાવીને બેઠેલા એ દીકરીના દાદા કેતા ઘરનો મોભી મોબાઈલ દ્વારા પોતાનું ગમ છુપાવી રહ્યો હતો. દીકરીના દાદાથી નાના ત્રણ ભાઈઓ બેઠકમાં ગોઠવાયેલા હતા. કોઈ આંખ બંધ કરીને તો કોક ટીવી ચાલુ કરીને આવેલા સમાચારને ભૂલવા મથી રહ્યા હતા. એકબીજાની રાહમાં બેઠેલા બધા એકબીજાની સામું જોવાનું ટાળતા હતા. મમ્મીની રાહમાં ઘડી ઘડી દરવાજે ચાલી જતી દીકરીને જોઈને તેના પપ્પાએ તેને ખેંચીને સોફા પર બેસાડી દીધી. "નઈ આવે હવે તારી માં!" પોતાની માતાનો પોતાને છોડીને ચાલ્યા જવાનો નિર્ણય સાંભળીને એ દીકરીને ડૂમો ભરાઈ આવ્યો પણ એ રડી નહિ! ઘરના ખૂણે ખૂણે તેની માતાના સંભારણા હતા. દરેક કબાટમાં તેની યાદો હતી. કંકાવટીથી લઈને મંદિરના લાલા પણ એને ઝંખતા હતા. રસોડાની પાસેથી તેની રોનક છીનવાઈ ગઈ હોઈ એમ લાગતું હતું. ઘરના કણ કણ માં તેની મમ્મી વસેલી હતી. વાસણો જાણે વંઠેલ થઈને પડ્યા હોઈ એમ ખાટલીમાં વિખરાયેલા હતા. ચાર દાદાની સાથે પોતાના પપ્પા ને ઘરમાં એકેય બૈરું નહિ! લક્ષ્મી વગરના આ ઘરનો સન્નાટો કદાચ અસહ્ય હતો. પંપની દુનિયામાં ખ્યાતનામ એવા હિતેનભાઈ જોબનપુત્રાની વહુનું આમ ઘરમાંથી જવું એ મીડિયા માટે પણ રોચક સમાચાર હતા. પૈસાના સોદા બંને પક્ષો ઝંખતા હતા. જમીનોની આપ-લેથી જ મામલો થાડે પડે એમ હતો. વાંક કોનો હતો એ કરતા હવે દિકરીની જીંદગી શું? એ પ્રશ્ન હિતેનભાઈને સતાવતો હતો. આવનારા ત્રણ જ દિવસોમાં જ્યારે દાદાને દિકરો ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે દિકરી ઘરે નથી. સૌ પહેલા દુશ્મનની ઘરે તપાસ કરવાનું વિચાર્યુ. જો ત્યાં ના હોય તો મામલો બગડી શકે એમ છે. હિતેનભાઈની પહોંચ અને રુત્બાને ધ્યાનમાં રાખીને અનાથાશ્રમમાંથી ફોન આવ્યો. પોતાના ઘરનું સંતાનને ત્યાં દાખીલો લેવાના વિચારે જ હિતેનભાઈને ધ્રુજાવી દિધા. તે જ સાંજે પોતાની પૌત્રીને એકલા મળવા ગયા. "દાદુ, મારે બંને સાથે રહેવું છે. મારો સોદો થાય એ કરતા મને કો'ક દતક લેશે એ પોસાશે.' આ જવાબથી વધતી સમજદારી ને પોતાના પરિવાર માટે આવનારી ગંભીરતાને હિતેનભાઈ બરોબર સમજી શકતા હતા. બરાબર ૮:૦૫ થઈને ૫૦૦ તેમજ ૧૦૦૦ વાળી નોટો બંધ થઈ. કાળાનાણાંના ધારકોના સૂપડા સાફ કરનારા વડાપ્રધાનના આ નિર્ણયથી બંને પક્ષો હલી ગયા. એકબીજાની ખબર હોવાથી હવે સમાધાન સિવાય કોઈ રસ્તો નહોતો. એ જ મા-બાપ પોતે પોતાની પુત્રીને લેવા અનાથાશ્રમ ગયા અને જાણે બંને સામુ નહિં જોવે એવા સમ ખાઈ લીધેલા વેવાઈ એક થાડીમાં જમવા લાગ્યા. કુટુમ્બ સિવાય એકબીજાનું કોઈ નહોતુ. ધન,સુખ સંપત્તિ કેતા કાળું નાણું છિનવાઈ ગયુ હતુ. તો વળી, એ પણ શીખ્યા કે સંબંધ સંપત્તિને જોરે નહિં સમજદારીથી બાંધીએ તો એ સોદો નહિં સમર્પણની ભાવના જગાવે છે. સમાજમાં આવી જ સુવાસની જરૂર છે. હજુ પણ આપણે બીજાની સફળતાની નિંદા કરતા અચકાતા નથી. નિર્ણયોને નીચા પાડવા, ભ્રષ્ટાચાર વિશે લખવું, કોઈકના ઉપર અસંતોષ દેખાડવો આ બધુ બહુ જ સહેલું છે. જ્યારે નવા નિર્ણયોને સર્વોત્તમ માન આપીને તેનું પાલન અને તેને અનુસરવા એ જ એક નાગરિક તરીકેની ફરજ છે. સંબંધની હદ આપણે નક્કી કરીએ છીએ. જ્યાં સુધી તમારામાં જતુ કરવાની ક્ષમતા, ભૂલોને ભૂલવાની તાકાત છે ત્યાં સુધી તેના પૂરા થવાની સરહદો દૂર જ છે. બાકી પૈસો તો આવતા પેલા જ હદ આપી દે છે. જરૂરી બંને છે. અહિં પણ મહત્વ કોને આપવું એ પોતપોતાના પર જ છે.
#sabdnisafar 

લાગણીશીલ..

આ ગુજરાતી થઈને લાગણીની એવી લત લાગી છે ને કે વાત જવા દ્યો. એમાં પણ આ સ્વભાવ! સાલો, ગમે તેટલો સરખો કરી મૂળ તો પકડી જ લે. આ વખતે તો નિર્ણય કરી જ નાખ્યો હતો કે એના પર ધ્યાન નહિં આપુ પણ તોય વાત તો થઈ જ ગઈ! મૂંઝાયેલા તો અમે બંને હતા પરંતુ એના દેખાવે મને દોઢડાહ્યો થવા પ્રેર્યો. કેવી મજાની વાત છે ને! જેણે મને બધાની સામે આઈ હેટ યુ કહ્યુ હતુ એના પહેરવેશના હું એની જ સામે વખાણ કરી રહ્યો હતો. એની એ સુંદર આંખો પર મારી આંખોનું આળોટવું, એના એ શરમાળ ચહેરા પર એકાંતના સપનાઓમાં થયેલા મારા સ્પર્શો, ના તૂટે એવી મજબૂતાઈથી કરેલા અમારા એ આલિંગનો, બે નહિં પણ એક થઈને મનમોહક અદાથી મનગમતી જગ્યાએ ગાળેલો એ સમય..આ બધુ એને સતત સતાવી રહ્યુ હતુ. અત્યારે તો કોઈકની અમાનત હતી એ! પણ સાહેબ, મારો એના પ્રત્યેનો પ્રેમ હજુ પણ જરા ઓછો નહોતો. ભલેને એનો નવો ચાહક ગમે તેટલો ચાહે ને લોકો ગમે તે કહે પણ સવાલ તો અહિં આવક નો જ હતો! મારા ગુજરાતી પરિવારમાં શીખ્યો હતો કે સંપત્તિ નહિં સંબંધ કામ આવશે એટલે જરા પાછળ પડ્યો. અપસોસ નથી હોં જરાય! હું ક્યાં વળી એને ખરીદવા માગતો હતો. પામવાની હતી મારે તો! હું હાર્યો નહોતો કે ન્હોતો ક્યારેય સરખામણી કરતો એના નવા પ્રેમી સાથે..શ્રધ્ધા જો હતી મારી પાસે. ગુજરાતીના તો લોહીમાં શ્રધ્ધા હોય છે.ગુજરાતીઓને વિજ્ઞાન પહોંચે? કોઈ ના પહોંચી શકે એવા બે શસ્ત્રો છે અમારી પાસે! એક વિશ્વાસ અને બીજી શ્રધ્ધા! એને મારાથી વધુ કોઈ ના ચાહી શકે એવો આત્મવિશ્વાસ ને એને પામવાની અતૂટ શ્રધ્ધા. બસ..પછી? પછી શું!
રાત્રે ટી.વી.માં જોયુ કે ૫૦૦ ને ૧૦૦૦ની નોટો બંધ! સંબંધોની સુનામી ને આવકની અસ્થિરતા લઈને આવી પહોંચી અહિં! સ્વાર્થ નજરની સામે હતો. ગુસ્સો પણ ગજબ હતો. આ બધુ ઓગળી ગયુ. કેમ? પ્રેમ? ના..પહેલા જ કહ્યુ આ ગુજરાતીપણું! પોતાની ભૂલનો થયેલો અહેસાસ તો મને મીઠો લાગતો એનો એ ચહેરો! લાગણી અહિં પણ લ્હાવો લઈ ગઈ..એ ન્હોતી ત્યારે ક્ષણિક થયેલી ગુજરાતી પ્રત્યેની ધૃણા અને તે આવી ત્યારે ગુજરાતીના આ નિર્ણય ઉપર થયેલું માન મારાથી વિશેષ કોણ સમજે!
#sabdnisafar


આ બધું શા માટે? કોના માટે? શુંકામ?

"આ બધું શા માટે? કોના માટે? શુંકામ?" જો આ પ્રશ્નોના જવાબ વગર આપણે કામ કરીએ તો એ કામ..કામ નહિ કમજોરી બની જાય છે. તેનાથી થતી માનસિક ખરાબ હાલત તેમાંથી બહાર નીકળવા લાગતો સમય અને તે કામ પૂરું નો થાય ત્યાં સુધી આપણા સ્વજનો ઉપર ઉતારેલો ખાર,નો બોલવાનું બોલીને સંભળાવી દેવું, વારેવારે મગજનું તાપમાન વધી જવું વગેરે જેવી બાબતો અનુભવાય છે.
આ ઉપરાંત જેના માટે કામ કરીએ છીએ એને પણ નો બોલવાનું બોલી દઈએ છીએ. કામ કદાચ એટલે જ ધારી સફળતા મેળવતું નથી કેમ કે તમે એ વ્યક્તિનું કામ કરો છો જેને તમારું એક પણ કામ કર્યું નથી છતાં તમે સારા લાગવા માટે એનું કામ માથે ઉપાડ્યું છે ને ઈચ્છા નો હોવા છતાં મજબૂરીમાં એ કામ કરવું પડે છે. શું આ કામ પર જ સંબંધ ટકેલો છે? આ સવાલને બદલે જો હું આ કામ નહિ કરું તો એને ખોટું લાગશે ને વળી ક્યાંક એ મારી સાથે નહિ બોલે તો? મારુ કોણ? હું એકલો કે એકલી શું કરીશ ! ક્યાંક પોતાનો સ્વાર્થ અહીં આવી જતો હોવાથી પણ માણસ બીજાના કામ કરે છે. એને એક ભય છે કે જો એ વ્યક્તિ ચાલ્યો જશે તો પોતાનું કોણ?
પોતે બધી જ રીતે આગળ વધીને પોતાનું કામ કરશે જ એવો આત્મવિશ્વાસ હજુ મારા જેવા ભણેલામાં ખૂટતો જોવા મળે છે. જયારે આજના વડીલો અમારાથી મોટા અને જમાનાના ખાધેલા લોકો એટલી ખુમારીથી જીવે છે કે તેઓ સંબંધ બેય બાજુથી જળવાઈ તો જ રાખે છે બાકી પડતો મૂકે છે.
સંબંધની પરિભાષામાં અમારામાં અને એમનામાં ઘણો તફાવત જોવા મળે છે. તેઓના મતે કામ નો હોવા છતાં સુખની તેમજ દુઃખની વાતો કરવી એ સંબંધ છે. જયારે અમારે મન સંબંધ એ ઉપયોગ ઉપભોગ અને ઉપરી લાગણીથી થતો એક બંધ છે કે જે ગમે ત્યારે તૂટે છે અને જેનાથી દુઃખ કોઈ એક ને જ થાય છે કેમ કે બંને આ સંબંધમાં સ્વીકૃત હોતા જ નથી. કદાચ એટલે જ થોડા સમયમાં અમે કામ કરીને થાકી જઈએ છીએ જયારે વડીલો ટેન્શનમાં પણ ભરપૂર નીંદર કરી લે છે કેમ કે એમને ખાતરી છે કે છેલ્લે કોઈ નહિ તો ઉપરવાળો તો હાથ ઝાલશે જ..જયારે અમારા મનમાં શંકા ને ભય સતત મંડરાયા કરે છે!
#sabdnisafar